જૈશના આતંકીને એરફોર્સ સ્ટેશનની રેકી કરવાનો અને હથિયારો એકત્ર કરવાનો સોંપાયો હતો ટાસ્ક

જૈશના આતંકીને એરફોર્સ સ્ટેશનની રેકી કરવાનો અને હથિયારો એકત્ર કરવાનો સોંપાયો હતો ટાસ્ક
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલા કુખ્યાત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીની સઘન પૂછપરછ અને તેના નિવાસસ્થાને હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન અનેક સ્ફોટક વિગતો બહાર આવી છે. પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓ દ્વારા આ આતંકીને દેશના અત્યંત સંવેદનશીલ ગણાતા એરફોર્સ સ્ટેશનનો વીડિયો ઉતારીને રેકી કરવાનો તેમજ ઘાતક હથિયારો મેળવવાનો મહત્ત્વનો ટાસ્ક સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ડબ્બામાંથી મળી આવેલા જૂના ફોને ખોલ્યા રહસ્યો

જાહેરાત

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આતંકીની ધરપકડ બાદ ATSની ટીમે તેના ઘરે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ઘરના એક ડબ્બામાં છુપાવીને રાખવામાં આવેલો જૂનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓને પ્રબળ આશંકા છે કે આ જ ફોનના માધ્યમથી તે સરહદ પાર બેઠેલા પાકિસ્તાની હેન્ડલરના સીધા સંપર્કમાં હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે તેને આ જૂનો ફોન બંધ કરીને નવો ફોન ખરીદવા માટે ખાસ નાણાં પણ પૂરા પાડવામાં આવ્યા હતા. નવો મોબાઈલ ફોન લીધા બાદ તેને હથિયારોની વ્યવસ્થા કરવાનો અને એરફોર્સ સ્ટેશનની ગુપ્ત વિગતો એકત્ર કરવા માટે તેનો વીડિયો ઉતારવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા દ્વારા યુવાનોનું બ્રેઈનવોશ કરવાનું ષડયંત્ર

આતંકીની ડિજિટલ તપાસમાં તેની ખતરનાક ગતિવિધિઓના અનેક પુરાવા હાથ લાગ્યા છે. તે સોશિયલ મીડિયા પર ચાલતા અનેક કટ્ટરવાદી ગ્રુપમાં સક્રિય રીતે જોડાયેલો હતો. આ ગ્રુપના માધ્યમથી તે માત્ર પોતે જ કટ્ટરવાદી વિચારધારા ફેલાવતો ન હતો, પરંતુ દેશના અન્ય ભોળા યુવાનોને પણ ગેરમાર્ગે દોરીને તેમને કટ્ટરવાદી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દિશામાં તેણે કેટલા યુવાનોનો સંપર્ક કર્યો છે અને કોણ-કોણ તેના જાળમાં ફસાયું છે, તે અંગે ATS દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

ધરપકડ બાદ પણ કોઈ પસ્તાવો નહીં, ઝેરીલી માનસિકતા યથાવત

પૂછપરછ દરમિયાન આતંકીના મનમાં ભરેલું ઝેર અને તેની કટ્ટરવાદી માનસિકતા સ્પષ્ટપણે છતી થઈ છે. પોલીસ અને ATSના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછમાં પણ તે અત્યંત કટ્ટરવાદી જવાબો આપી રહ્યો છે. ધરપકડ થયા બાદ પણ તેના ચહેરા પર કોઈ જ પ્રકારનો અફસોસ કે પસ્તાવો જોવા મળતો નથી. તેણે તપાસ અધિકારીઓ સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે, જો તે કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપ્યા બાદ માર્યો ગયો હોત, તો તે પોતાની જાતને ખુશનસીબ માનત.

જેલમાંથી બહાર આવી પાકિસ્તાન જઈ ફરી આતંકી સંગઠનમાં જોડાવાની ઈચ્છા

આટલું ઓછું હોય તેમ, આતંકીએ એવી પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે, ભવિષ્યમાં જ્યારે પણ તે જેલમાંથી બહાર આવશે, ત્યારે તે કોઈપણ ભોગે પાકિસ્તાન જશે અને ફરીથી જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનમાં જોડાશે. આતંકીના આવા ખુલાસા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે અને તેના સ્લીપર સેલ તેમજ અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત