‘એસડી પે’ કૌભાંડમાં 6.5 લાખ પરિવારોના ₹1,211 કરોડ ફસાયા છતાં સરકાર ચૂપ! ‘, CBI-ED તપાસની માંગ સાથે કોંગ્રેસનું અભિયાન

‘એસડી પે’ કૌભાંડમાં 6.5 લાખ પરિવારોના ₹1,211 કરોડ ફસાયા છતાં સરકાર ચૂપ! ‘, CBI-ED તપાસની માંગ સાથે કોંગ્રેસનું અભિયાન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

‘એસડી પે-અપના પે’ મોબાઈલ એપ્લિકેશન કૌભાંડમાં અંદાજે 6.5 લાખ પરિવારો સાથે રૂ.1,211 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)એ દેશવ્યાપી ઓનલાઈન પિટિશન અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસે Change.org પ્લેટફોર્મના માધ્યમથી આ અભિયાન શરૂ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ, નિષ્પક્ષ તપાસ અને ભોગ બનેલા પરિવારોના નાણાં પરત અપાવવાની માંગ કરી છે.

સરકારની નિષ્ક્રિયતા સામે કોંગ્રેસના આક્ષેપ

અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વરિષ્ઠ નેતા અમીબેન યાજ્ઞિકે સરકારની કથિત નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા હતા. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે લાખો પરિવારોએ પોતાની જીવનભરની મૂડી ગુમાવી હોવા છતાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તેમની સમસ્યાઓના ઉકેલ માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા નથી. તેમણે જણાવ્યું હતું કે પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને સરકાર પર દબાણ ઊભું કરવા માટે ઓનલાઈન પિટિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

જાહેરાત

CBI, ED અને SFIO તપાસની માંગ

કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પિટિશનમાં સમગ્ર કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)ને સોંપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, કથિત છેતરપિંડીથી મેળવેલા નાણાંમાંથી ખરીદવામાં આવેલી સ્થાવર અને જંગમ મિલકતો તથા સંબંધિત બેંક ખાતાઓ ટાંચમાં લેવાની માંગ પણ કરવામાં આવી છે. જેથી કૌભાંડમાં ફસાયેલા નાણાંનો પત્તો મેળવીને પીડિત પરિવારોને તેમની રકમ પરત અપાવી શકાય.

બજેટ સત્ર પહેલાં સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવશે

અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે આગામી એક મહિના દરમિયાન કોંગ્રેસ દ્વારા કૌભાંડથી અસરગ્રસ્ત પરિવારોની વિગતો એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યના આગામી બજેટ સત્ર પહેલાં આ મુદ્દો મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાત વિધાનસભા અને સંસદમાં ઉઠાવવામાં આવશે. કોંગ્રેસે આ મામલે સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરવા અને ભોગ બનેલા પરિવારોને ન્યાય અપાવવા સરકાર સમક્ષ દબાણ વધારવાની રણનીતિ અપનાવી છે. હવે આ ઓનલાઈન અભિયાનને કેટલો પ્રતિસાદ મળે છે અને સરકાર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત