સેવન્થ ડે બાદ વધુ એક સ્કૂલમાં વિદ્યાર્થીનો વિવાદ, ઈન્સ્ટાગ્રામ પર માર મારવાની આપી ધમકી

ખોખરાની સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ વધુ એક સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદના રાયખડ આઈ.પી.મિશન સ્કૂલની ઘટના સામે આવી છે. સ્કૂલમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીને ઈન્ટાગ્રામ ઉપર ધમકી મળી હતી. સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીએ માર મારવાની ધમકી આપી હતી. સ્કૂલના ક્લાસ રૂમમાં બારી ખોલવા જતા વિદ્યાર્થીને હાથ અડી જવા બાબતે ઝઘડો થયો હતો. જે બાદ પ્રિન્સીપાલે એ બંને વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
રાયખડની સ્કૂલના વિદ્યાર્થીઓમાં બબાલ યથાવત હતી. અને આ ઝઘડાની અદાવત રાખીને સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થીને ધમકી આપી હતી. સોશિયલ મીડિયા પર પૂર્વ વિદ્યાર્થી બિભસ્ત ગાળો બોલી માર મારવાની ધમકી આપતો હતો. વિદ્યાર્થીના પરિવારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી છે. પૂર્વ વિદ્યાર્થીને સ્કૂલમાં ગેરવર્તણૂંકને લઈને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં નયન સંતાનીની હત્યાને લઈને વિવાદ ઘેરાયેલો છે ત્યારે વધુ એક આવી વિદ્યાર્થીની ધમકીથી શિક્ષણ જગતમાં ક્ષોભનો માહોલ છે. વાલીઓ પણ વિદ્યાર્થીઓના આવા વર્તનથી ચિંતાગ્રસ્ત છે.

