VIDEO: ધોળકા તાલુકામાં માટી માફિયાઓની ભારે ગુંડાગર્દી અને લૂંટનો સનસનાટીભર્યો કિસ્સો
અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાં માટી માફિયાઓની ભારે ગુંડાગર્દી અને લૂંટનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ખેડૂતની જમીનમાંથી અધધ 50 હજાર ઘનમીટર માટીની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. ધોળકાના ભુંભલી ગામમાં આવેલી 12 વીઘા જમીનને નિશાન બનાવીને માટી માફિયાઓએ માત્ર 15 જ દિવસમાં 8 ફૂટ ઊંડા ખાડા પાડી આખી જમીન ખોદી નાખીને ખેલ ખતમ કરી નાખ્યો હતો. આ ગુનાના આરોપી વિપુલ મારૂએ જેસીબી જેવા ભારે મશીનો અને ડમ્પરોનો ઉપયોગ કરી ચોરી કરેલી આ કિંમતી માટી વટામણ બગોદરા હાઇવે પર આવેલી એક હોટલ નજીક પધરાવી દીધી હતી.
આ મામલે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદના આધારે કોઠ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વિપુલ મારૂ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ગુજરાત ખનીજ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખાણ ખનીજ વિભાગનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ કરોડો રૂપિયાની માટી ચોરીનો આંકડો અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓના નામોનો ખુલાસો થવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

