સાબરમતી રિવરફ્રન્ટ 40 કિમી લાંબો બનશે, CM ભૂપેન્દ્ર પટેલે વિકાસકાર્યોની સમીક્ષા કરી

અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટના વિકાસને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટના ફેઝ-2 અને ફેઝ-3 અંતર્ગત ચાલી રહેલી વિવિધ કામગીરીની સ્થળ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ વિવિધ સ્થળોએ ચાલી રહેલા વિકાસકાર્યોનું નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. બંને ફેઝ પૂર્ણ થયા બાદ સાબરમતી રિવરફ્રન્ટની કુલ લંબાઈ બંને કાંઠે મળીને 40 કિલોમીટર થઈ જશે.
છ લેનના બેરેજ કમ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે બની રહેલા છ લેનના બેરેજ કમ બ્રિજ (Barrage-cum-Bridge)ની કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 અંતર્ગત સરદાર પટેલ એન્ક્લેવના કેનોપી સ્ટ્રક્ચર, કોટેશ્વર મહાદેવ મંદિર પાછળ અને ઇન્દિરા બ્રિજ નીચે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ફેઝ-3 અંતર્ગત પશ્ચિમ તરફ કોતરપુર સામે તથા પૂર્વ તરફ કરાઈ નજીક નર્મદા કેનાલ એસ્કેપ પાસે ચાલી રહેલાં કામોની પ્રગતિનો પણ તાગ મેળવ્યો હતો.
ફેઝ-2 અને ફેઝ-3માં 21 કિમીનો નવો વિકાસ
સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2 અંતર્ગત ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી નદીના બંને કાંઠે વિકાસ કરવામાં આવશે. આ અંતર 5.50 કિલોમીટર છે, જેના બંને કાંઠે મળીને કુલ 11 કિલોમીટર રિવરફ્રન્ટ વિકસાવવાનું આયોજન છે. જ્યારે ફેઝ-3 અંતર્ગત ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઇન કેનાલ સુધી બંને કાંઠે વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. આ વિસ્તારમાં નદીની લંબાઈ પાંચ કિલોમીટર છે અને બંને કાંઠે મળીને કુલ 10 કિલોમીટર રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે. આ બંને ફેઝ પૂર્ણ થતાં રિવરફ્રન્ટની કુલ લંબાઈ 40 કિલોમીટર સુધી પહોંચશે.
ગુજરાતનો પ્રથમ ઓટોમેટિક બેરેજ કમ બ્રિજ
આ પ્રોજેક્ટની વિશેષતા છ લેનનો બેરેજ કમ બ્રિજ છે, જે ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ (Automatic Control System)થી સંચાલિત થશે. તેમાં 3.5 મીટર ઊંચાઈના એર ફિલ્ડ રબર ટાઇપ સ્પેશ્યલાઇઝ્ડ બેરેજનો ઉપયોગ કરવામાં આવશે. તેના કારણે ગાંધીનગર તરફના રિવરફ્રન્ટ વિસ્તારમાં પાણી ભરાયેલું રાખી શકાશે. આ પ્રકારનો બેરેજ કમ બ્રિજ ગુજરાતમાં પ્રથમ બનશે.
ગ્રીન ઝોનથી ફૂડ પ્લાઝા સુધીની સુવિધાઓ
રિવરફ્રન્ટના નવા વિસ્તારોમાં નાગરિકો માટે વિવિધ આકર્ષણો અને સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેમાં ગ્રીન ઝોન, વિવિધ સ્તરે વૃક્ષારોપણ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર માટેની જગ્યાઓ તથા સ્વાસ્થ્ય અને મનોરંજન માટે બેઠક વ્યવસ્થાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન આઈ.પી. ગૌતમ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપની દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.









