VIDEO: ED-CBIના નામે ₹4 કરોડની ઠગાઈ, મહાઠગ પિયુષ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો
સાવધાન! અમદાવાદમાં ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓમાં 'સેટિંગ' કરાવી આપવાના બહાને કરોડો રૂપિયા પડાવનાર મહાઠગ પિયુષકુમાર ઉર્ફે સુનિલ પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ એક ફરિયાદીને ED દ્વારા જપ્ત કરાયેલા રૂપિયા 11 કરોડ 90 લાખ છોડાવી આપવાની લાલચ આપી હતી અને EDના ઉચ્ચ અધિકારીઓ સાથે મજબૂત સંપર્કો હોવાનો ખોટો દાવો કર્યો હતો. આ કામ કરાવી આપવાના નામે આરોપીએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂપિયા 3 કરોડ 98 લાખ પડાવી લીધા હતા. જોકે, આટલી મોટી રકમ લીધા બાદ પણ તેણે કામ નહોતું કર્યું અને પૈસા પરત ન આપીને મોટો વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
3.32 કરોડનો બોગસ લોન કરાર પણ કર્યો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ઠગાઈથી મેળવેલા નાણાં સગેવગે કરવા માટે આરોપી પિયુષ પટેલે ખૂબ ચાલાકીપૂર્વક અન્ય એક વ્યક્તિ સાથે રૂપિયા 3.32 કરોડનો બોગસ લોન કરાર પણ કર્યો હતો. આ ઉપરાંત, કાયદાના સિકંજામાંથી બચવા માટે આરોપીએ દેશ છોડી દીધો હતો. તે વર્ષ 2021માં વનુઆતુ દેશમાં ભાગી ગયો હતો અને ત્યાંનું નાગરિકત્વ પણ મેળવી લીધું હતું.
આરોપીનો મોટો ક્રિમિનલ ટ્રેક રેકોર્ડ
ત્યારબાદ, કાયદાની આંખમાં ધૂળ ઝોંકીને તે વર્ષ 2022થી ભારતમાં OCI (Overseas Citizen of India) કાર્ડ ધારક તરીકે રહેતો હતો અને સરકારી વિભાગોમાં અટકેલા કામો કઢાવી આપવાના નામે લોકોને પોતાના શિકાર બનાવતો હતો. આરોપી પિયુષ પટેલ કોઈ નાનો-મોટો ગુનેગાર નથી, તેનો મોટો ક્રિમિનલ ટ્રેક રેકોર્ડ છે. અગાઉ વર્ષ 2020માં તેની સામે સાંથલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો.
આ ઉપરાંત, વર્ષ 2025માં કડી પોલીસ સ્ટેશન ખાતે પણ તેની સામે છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલો છે. આ મહાઠગના તાર માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી, ઉત્તર પ્રદેશના લખનઉ પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ છેતરપિંડી, બોગસ દસ્તાવેજો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. તે કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં પોતાની વગ હોવાનો રોફ જમાવીને લોકોને શીશામાં ઉતારતો હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે.

