શીલજ હિટ એન્ડ રનમાં પોલીસની કામગીરી સામે સવાલ; FIRમાં ફૂલ સ્પીડનો ઉલ્લેખ છતાં અકસ્માતને ગણાવ્યો 'ગેરસમજ'

શીલજ હિટ એન્ડ રનમાં પોલીસની કામગીરી સામે સવાલ; FIRમાં ફૂલ સ્પીડનો ઉલ્લેખ છતાં અકસ્માતને ગણાવ્યો 'ગેરસમજ'
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ ગ્રામ્યમાં કાયદો અને વ્યવસ્થા જાણે રાજકીય નેતાઓના ખિસ્સામાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બાપુનગરના MLAના ભત્રીજાએ પોતાની ફુલ સ્પીડમાં કારથી બાઈકને અડફેટે લઈ એક નિર્દોષનો ભોગ લીધો હોવા છતાં પોલીસ આરોપી સામે કડક કાર્યવાહી કરવાને બદલે તેના બચાવમાં મેદાને ઉતરી હોય તેવી ચર્ચા છે. પોલીસ FIRમાં કાર ફુલ સ્પીડમાં હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે, છતાં DySP કક્ષાના અધિકારી અકસ્માત માત્ર ગેરસમજથી થયાની વાર્તાઓ કરી રહ્યા છે. મહત્ત્વનું છે કે, ઘટનાના 17 કલાક બાદ ધરપકડ, જામીન અને છેક 30 કલાક બાદ કરાયેલો બ્લડ ટેસ્ટ એ વાતની ચાડી ખાય છે કે, કાયદાની રક્ષા કરવાની જવાબદારી જેના શિરે છે તે ખાખી વર્દી સત્તાના નશામાં ચૂર નેતાના નબીરાના શરણે થઈ ગઈ છે અને તેને બચાવવાના હવાતિયાં મારી રહી છે.

શું છે સમગ્ર મામલો?

જાહેરાત

ગત 11 ઓક્ટોબરે બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહે તેની કારથી બાઈક સવારને કચડીને ફરાર થઈ ગયો હતો. જેમાં સારવાર દરમિયાન બાઈકની પાછળ બેઠેલાં શખ્સનું મોત થયું હતું અને બાઈકચાલક ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી આરોપીને 17 કલાક બાદ ઘરેથી પકડ્યો તરત જામીન આપી દેતા મુદ્દો ચર્ચાયો હતો. જોકે DySPએ ધરપકડ વખતે બ્લ્ડ ટેસ્ટ થયો કે નહીં તે અંગે જવાબ ટાળ્યા બાદ 30 કલાક પછી બ્લડ ટેસ્ટ કર્યો હોવાનો રદિયો આપ્યો હતો. DySPએ જણાવ્યું હતું કે, કાર અને બાઈક બંને ધીમા થયા અને ક્રોસ કરવામાં ગેરસમજ થઈને એક સાથે બંને નીકળવા જતા અકસ્માત થયો અને એક શખ્સનું મોત થયુ. હવે આ વાતની હકિકત ફરિયાદમાં સામે આવી છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, ટર્ન લેવા માટે પોણા ભાગનો રોડ ક્રોસ કરી લીધો હતો તે વખતે ફુલ સ્પીડમાં અને બેદરકારપૂર્વક આવેલી એક કારના ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી. હવે આના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, પોલીસ MLAના શરણે થઈ ગઈ છે અને આરોપીને બચાવવા હવાતિયા મારી રહી છે.

પોલીસ ફરિયાદમાં કાર ફુલ સ્પીડમાં હોવાનો ઉલ્લેખ

આ અંગે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને પાર્ટ-ટાઈમ રેપિડો બાઈક ચલાવતા 50 વર્ષીય પ્રદીપકુમારે ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 11 ઓક્ટોબરે સવારે આશરે 6:45 વાગ્યે તેઓ પોતાની બાઈક પર પેસેન્જરને બેસાડીને શીલજ સર્કલ નજીક ગુરુકૃપા ચાર રસ્તા પાસેથી બાઈક ધીમુ કરીને જમણી બાજુ ટર્ન લેવા માટે પોણા ભાગનો રોડ ક્રોસ કરી લીધો હતો તે વખતે ફુલ સ્પીડમાં અને બેદરકારપૂર્વક આવેલી એક કારના ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી, જેના કારણે બંને જણા બાઈક સાથે રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં બાઈકચાલક ફરિયાદીને સામાન્ય ઈજાઓ થઈ હતી. જ્યારે પાછળ બેઠેલા મુસાફરને માથા, ડાબા પગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે પહેલા સોલા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે CIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને રેન્જ રોવરનો ચાલક પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે ગાડીનો નંબર ત્યાં ભેગા થયેલા લોકોમાંથી કોઈ એક વ્યક્તિએ ચિઠ્ઠીમાં લખીને ફરિયાદી બાઈકચાલકને આપ્યો હતો. જેથી ફરિયાદીએ આ અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઘટના પછી પ્રેસ કોન્ફરન્સમાં DySPએ મીડિયાને ઘટના જણાવી

તેમણે જણાવ્યું કે, 11 નવેમ્બરે રોજ વહેલા સવારે આશરે 6:45 વાગ્યાના અરસામાં એક ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો. 50 વર્ષીય રેપિડો બાઈકના ચાલકને એક રાઈડ મળી હતી, જેમાં ઘાટલોડિયા ખાતે રહેતા અને શિલજ સર્કલ પાસેની એક સાઈટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મુસાફરે બાઈક બુક કરાવી હતી. તેઓ ઘાટલોડિયાથી બાઈક પર નીકળી શિલજ સર્કલ ક્રોસ કરીને આગળ આવી રોડ પરથી જમણી બાજુ ટર્ન લઈ રહ્યા હતા, તે દરમિયાન રાચરડા તરફથી શિલજ સર્કલ તરફ આવી રહેલી રેન્જ રોવર કાર સાથે ગેરસમજ થતાં બંને વાહનો એકસાથે ક્રોસ થવા જતાં કારની ટક્કર બાઈક સાથે થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં રેપિડો ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી, પરંતુ રાઈડ બુક કરાવનારને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સોલા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સિમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ અમે તાત્કાલિક BNS અને મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ તપાસતાં GJ 27 0600 નંબરવાળી કાર નજરે પડી હતી, જેના આધારે અમે તપાસ કરીને મૂળ અમદાવાદના અને કન્સ્ટ્રક્શન તથા રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા આરોપી રાઘવેન્દ્ર કુશવાની શોધખોળ કરી તેની અટકાયત કરી છે તેમજ અકસ્માત સર્જનાર ગાડી પણ કબજે કરી તેની FSL અને RTO તપાસણીની કાર્યવાહી શરૂ કરી છે.

આ ગાડી ખરેખર આરોપીના પિતા મહેશ કુશવાહના નામે છે. આરોપી કલોલ ખાતે તેના મિત્રની પાર્ટીમાં ગયો હતો અને સવારે પરત ફરીને તેના મિત્રોને મૂકવા જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ આરોપી ઘટનાસ્થળે હાજર રહ્યો નહોતો અને પોતાના ઘરે જતો રહ્યો હતો, પરંતુ વાહનની શોધખોળ બાદ પોલીસે તેને શોધી કાઢ્યો હતો. અમારી તપાસમાં આરોપીએ કોઈ નશો કર્યો હતો કે કેમ તે હાલ સામે આવ્યું નથી અને આગળની તપાસ ચાલુ છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ આ ગુનામાં 7 વર્ષ કરતાં ઓછી સજા હોવાથી પોલીસ સ્ટેશનથી તેને નોટિસ આપીને વિગતવાર પૂછપરછ કરી તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. અમે કોઈને બચાવવા માટે નહીં પરંતુ બેદરકારી અને ગફલતભરી રીતે વાહન હંકારીને અન્ય વાહનચાલકનું મૃત્યુ નીપજાવવા બદલ યોગ્ય કલમો હેઠળ જ ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે. અત્યાર સુધીની અમારી પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ કોઈ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું નથી, છતાં અન્ય કોઈ ગુના દાખલ છે કે કેમ તેની તપાસ હાલ ચાલુ છે.

પોલીસની તપાસ મુજબ ગેરસમજણથી અકસ્માત, આરોપીના નિવેદનમાં પણ વિરોધાભાસ

પોલીસે જણાવ્યું કે, સાક્ષીઓના નિવેદનો અને પ્રાથમિક તપાસ મુજબ આ અકસ્માત આગળની ગાડી અને બાઈક વચ્ચે ઊભી થયેલી ગેરસમજના કારણે સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીના કહેવા પ્રમાણે આગળની ગાડી અચાનક ઊભી રહેતા બાઈકચાલકને બચાવવા જતાં તેની ગાડી બાઈક સાથે અથડાઈ હતી. આરોપી મીડિયા સામે જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થયાનો દાવો કરે છે. પરંતુ હકીકતમાં પોલીસે સાક્ષીઓ પાસેથી ગાડીનો નંબર મેળવીને બીજા દિવસે તેના ઘરેથી જ આરોપીની ધરપકડ કરી વાહન કબ્જે કર્યું હતુ. હાલમાં તેને સળંગ બે દિવસમાં 25થી 26 કલાક પૂછપરછ કર્યા બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

વધુમાં જણાવ્યું કે, આ કેસમાં આગળની કાર્યવાહી હવે FSL અને ટેકનિકલ રિપોર્ટ પર નિર્ભર છે. અકસ્માતના આશરે 30 કલાક પછી આરોપીનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. જો રિપોર્ટમાં નશાકારક પદાર્થનું સેવન કર્યાનુ સામે આવશે તો કેસમાં નવી કલમો ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, પ્રાથમિક તપાસમાં ગાડી બહુ ઓવરસ્પીડમાં હોવાનું જણાયું નથી. તેમ છતાં વાહનની ચોક્કસ સ્પીડ જાણવા માટે RTO, FSL અને કાર કંપની આ ત્રણેય પાસેથી ટેકનિકલ રિપોર્ટ માગવામાં આવ્યા છે.

અકસ્માત બાદ 17 કલાક સુધી આરોપી ક્યાં હતો તે પૂછતાં તે ડરી ગયો હોવાના બહાના આપી રહ્યો હતો. જો કે, પોલીસ આરોપીની વાતો પર સીધો ભરોસો કરવાના બદલે તેના CDR એટલે કે કૉલ ડિટેલ રેકોર્ડની રાહ જોઈ રહી છે, જેના એનાલિસિસ બાદ જ સાચી હકીકત સામે આવશે. સમગ્ર કેસની તપાસ PSI દ્વારા કરવામાં આવી રહી છે અને આરોપીને જ્યારે પણ નિવેદન માટે બોલાવવામાં આવે ત્યારે તેને ફરજિયાત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

પોલીસની કામગીરીને લઈ ઉઠી રહ્યા છે સવાલ

શીલજમાં ગત 11 નવેમ્બરે વહેલી સવારે સર્જાયેલા હિટ એન્ડ રન કેસમાં ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહે પોતાની કારથી બાઈકને ટક્કર મારતા 35 વર્ષીય યુવકનુ મોત નીપજ્યુ હતુ. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા આરોપીની પોલીસે 17 કલાક બાદ ધરપકડ કરી હતી, પરંતુ તેની સામે ગંભીર ગુનાના બદલે સામાન્ય કલમો લગાવીને ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત કરી દેતા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી હતી. આ કેસમાં પોલીસ અને આરોપીના નિવેદનોમાં પણ મોટો વિરોધાભાસ જોવા મળ્યો હતો. ખાસ કરીને બ્લડ ટેસ્ટના મુદ્દે DySPએ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. જ્યારે આરોપીએ ટેસ્ટ થઈ ગયો હોવાનો દાવો કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ અને પોલીસની ઢીલી કાર્યવાહી જોતા વગદાર નેતાના ભત્રીજાને બચાવવા માટે ધમપછાડા કરવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત