Ahmedabad news: દિવ્યાંગ દંપતિની સગીર દીકરીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણકર્તા ઝડપાયો

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરીને ગુજરાન ચલાવતા દિવ્યાંગ દંપતીની 16 વર્ષીય દીકરી અચાનક લાપતા બનતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ મામલે પરિવારજનોએ ચિંતાતુર બનીને તાત્કાલિક મણિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ સંવેદનશીલ ઘટનાની ગંભીરતા સમજીને સગીરાને શોધી કાઢવા માટે એક ખાસ ટીમની રચના કરી હતી અને સઘન તપાસ બાદ ગુમ થયેલી 16 વર્ષીય પુત્રીને હરિદ્વારથી હેમખેમ રેસ્ક્યૂ કરવામાં આવી છે.
દિવ્યાંગ દંપતીની ગુમ થયેલી સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ
પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને એનાલિસિસની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સગીરા તેમના જ વતનના એક યુવક સાથે ઉત્તરાખંડના હરિદ્વાર પહોંચી ગઈ હતી. ચાલાક આરોપી પોલીસથી બચવા માટે સતત લોકેશન બદલતો હતો અને હોટલ કે ધર્મશાળાના બદલે હરિદ્વારના વાલ્મિકી વાસમાં એક ઝૂંપડી ભાડે રાખીને છુપાયો હતો.
આરોપી યુવક માત્ર ઓનલાઈન પેમેન્ટ પૂરતો જ થોડી સેકન્ડ માટે પોતાનો મોબાઈલ ચાલુ કરતો હતો. જો કે, મણિનગર પોલીસના મહિલા કોન્સ્ટેબલે સગીરાની મોટી બહેન તરીકેની ઓળખ આપી મકાન માલિકનો સંપર્ક સાધ્યો હતો અને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી લોકેશન મેળવી લીધું હતું.
બાતમી અને લોકેશન મેળવી પોલીસ હરિદ્વાર પહોંચી
બાતમી અને લોકેશન મળતા જ પોલીસે હરિદ્વાર પહોંચીને વોચ ગોઠવી હતી અને આખરે આરોપીને ઝડપી પાડી સગીરાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. મણિનગર પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દીકરીને તેના દિવ્યાંગ માતા-પિતાને હેમખેમ સોંપી દેવામાં આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

