રાજકોટ-અમદાવાદ હાઇવે પર ભાયલા બ્રિજ પર લક્ઝરી બસમાં ભીષણ આગ

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ભાયલા બ્રિજ ઉપર આજે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભબકી ઉઠતાં રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ 112 ની ટીમે દર્શાવેલી ત્વરિત કામગીરીને કારણે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
કેરાળા બ્રિજ પર તહેનાત 112 ની PCR ટીમ ત્વરિત હરકતમાં આવી
બ્રિજ પર લક્ઝરી બસમાંથી આગના જ્વાળામુખી જેવા ગોટા નીકળતા જોઈને ઘટનાસ્થળ નજીક કેરાળા બ્રિજ પર તહેનાત 112 (EMRS) ની PCR-1 ટીમ તુરંત જ હરકતમાં આવી ગઈ હતી. પોલીસ ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચીને સૌથી પહેલાં બસમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ, ટ્રાફિક ડાયવર્ટ કરાયો
સ્થિતિની ગંભીરતાને જોઈને 112 ની ટીમે તાત્કાલિક 'એલબી ટેક્સ'ની ફાયર ફાઈટર ટીમને કોલ કરીને સ્થળ પર બોલાવી લીધી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાઇવે પર ટ્રાફિક જામ ના સર્જાય અને અન્ય વાહનચાલકો સુરક્ષિત રહે તે માટે પોલીસે તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ટ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સમયસર મળેલી મદદના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી અને મોટી હોનારત ટળી ગઈ છે.

