ONGCના ક્રૂડ ઓઇલ ચોરી કેસમાં 6 આરોપીઓના 23 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર, અધિકારીઓની સંડોવણીને લઈ ATS કરશે તપાસ

ONGCના ક્રૂડ ઓઇલ ચોરી કેસમાં 6 આરોપીઓના 23 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર, અધિકારીઓની સંડોવણીને લઈ ATS કરશે તપાસ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં ONGCના ક્રૂડ ઓઇલ ચોરી કેસમાં ગુજરાત ATSએ ઝડપી પાડેલા 6 આરોપીઓને રિમાન્ડ માટે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કર્યા હતા. ATS દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે તમામ 6 આરોપીઓના 23 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન ATS દ્વારા ઓઇલ ચોરીના સમગ્ર નેટવર્ક અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની તપાસ કરવામાં આવશે.

પ્રાથમિક વિગતો મુજબ, આરોપીઓએ ONGCના કૂવામાંથી અંદાજે 8 હજાર લીટર ક્રૂડ ઓઇલની ચોરી કરી હતી. આ માટે કેશિંગ વાલ્વમાંથી ફાઇટર પંપની મદદથી ક્રૂડ ઓઇલ બહાર કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાહેરાત

મોબાઇલ CDR અને બેંક વ્યવહારોની તપાસ થશે

ATSએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપીઓના મોબાઇલ ફોનના CDR અને લોકેશનના આધારે વધુ તપાસ કરવાની છે. આ ઉપરાંત તેમના બેંક ખાતાઓમાં થયેલા શંકાસ્પદ વ્યવહારોની તપાસ પણ જરૂરી છે. ક્રૂડ ઓઇલની ચોરી કરીને મેળવેલા નાણાંમાંથી આરોપીઓએ કોઈ મિલકત વસાવી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

ONGCના અધિકારીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ

આ કેસમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ક્રૂડ ઓઇલ ચોરીના નેટવર્કમાં ONGCના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની પણ ATS તપાસ કરશે. ચોરાયેલું ક્રૂડ ઓઇલ કોને વેચવામાં આવતું હતું અને તેને ક્યાં પહોંચાડવામાં આવતું હતું તે અંગે આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.

આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળ સહિત અન્ય સ્થળોએ તપાસ કરવાની જરૂરિયાત પણ ATS દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. હવે 23 નવેમ્બર સુધીના રિમાન્ડ દરમિયાન ક્રૂડ ઓઇલ ચોરીના સમગ્ર નેટવર્ક, તેના ખરીદદારો અને સંભવિત આંતરિક સંડોવણી અંગે વધુ ખુલાસા થાય છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત