અમદાવાદમાં હાઈકોર્ટની મેટર પતાવી આપવાના નામે મોટો ખેલ: ‘ભૂસત્વ’ના ડાયરેક્ટરે 5 લાખ પડાવી હાથ ઊંચા કરી દીધા!

અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી ‘ભૂસત્વ ટ્રુ એસેન્સ ઓફ અર્થ’ કંપનીના ડાયરેક્ટર સામે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતો જમીનનો કેસ માત્ર ત્રણ મહિનામાં પતાવી આપવાની ખાતરી આપી રૂ. ૫ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. પાવર ઓફ એટર્ની ધરાવતા જતિન પંડ્યા નામના વ્યક્તિ પાસેથી વકીલની ફી અને રજિસ્ટ્રીના નામે 2 લાખ અને 3 લાખ રૂપિયા એમ બે તબક્કામાં રોકડ તથા આંગડિયા મારફતે રકમ મેળવ્યા બાદ કામ ન કરી નાણાં હડપ કરી લીધા હોવાની ફરિયાદ સામે આવી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી વિગતો અનુસાર, ઓક્ટોબર ૨૦૨૨માં જતિન પંડ્યાએ મિત્રોની ઓળખાણથી મીઠાખળી સ્થિત ભૂસત્વ કંપનીના ડાયરેક્ટર નીરજ શાહનો સંપર્ક કર્યો હતો. જતિનભાઈ પાસે રૂક્ષાના ચૌહાણના પ્લોટ અંગેનો પાવર ઓફ એટર્ની હતો, જેનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો. નીરજ શાહે આ હાઈકોર્ટની મેટર 3 મહિનામાં પૂરી કરી આપવાનો વિશ્વાસ અપાવીને કુલ 5 લાખ રૂપિયાની ફી નક્કી કરી હતી.
જતિનભાઈએ પ્રથમ તબક્કે 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ કેસ રજિસ્ટ્રીમાં જમા કરાવવાના બહાને નીરજે વધુ નાણાં માંગતા, જતિનભાઈએ આંગડિયા તેમજ રોકડ મારફતે બાકીના 3 લાખ રૂપિયા પણ ચૂકવી આપ્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં કેસમાં કોઈ કાયદાકીય કાર્યવાહી આગળ ન વધતા જતિનભાઈએ હાઈકોર્ટના વકીલ માસુમ શાહનો રૂબરૂ સંપર્ક કર્યો હતો. ત્યારે વકીલે ખુલાસો કર્યો હતો કે તેમને નીરજ તરફથી કોઈ ફી મળી નથી અને તેઓ આ કેસ અંગે કશું જાણતા નથી, જેથી તેમણે તમામ કાગળો જતિનભાઈને પરત કરી દીધા હતા.
આ અંગે જતિને નીરજ શાહ પાસે જઈને ખુલાસો માગ્યો હતો અને પોતાના નાણાં પરત માગ્યા હતા. જોકે, નીરજે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. આમ, હાઈકોર્ટની મેટર પતાવી આપવાનો ભરોસો આપી 5 લાખ રૂપિયા મેળવી લીધા બાદ, વકીલને રકમ ન ચૂકવી કેસમાં કોઈ કાર્યવાહી ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.









