ફ્લાવર શો જોવા જશો તો ખિસ્સા પર પડશે ભાર! અટલબ્રિજ ન જાઓ તો પણ ચૂકવવા પડશે પૈસા, જાણો કેટલા વધ્યા ટિકિટના ભાવ

ફ્લાવર શો જોવા જશો તો ખિસ્સા પર પડશે ભાર! અટલબ્રિજ ન જાઓ તો પણ ચૂકવવા પડશે પૈસા, જાણો કેટલા વધ્યા ટિકિટના ભાવ
તસવીર: Google
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર જાન્યુઆરી 2027માં યોજાનારા ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ટિકિટના દરમાં આ વખતે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ વખતે ફ્લાવર શોની ટિકિટ સાથે અટલ બ્રિજની મુલાકાત પણ સામેલ કરવામાં આવી છે. એટલે કે, જે મુલાકાતીઓને અટલ બ્રિજ પર જવાની ઇચ્છા ન હોય, તેમણે પણ ફ્લાવર શોની ટિકિટમાં તેની કિંમત ચૂકવવી પડશે. 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન 100 રૂપિયા અને શનિવાર-રવિવારે 120 રૂપિયાનો ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો છે. ફ્લાવર શોની શરૂઆત જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં થશે.

રિક્રિએશન કમિટીમાં ટિકિટના નવા દરની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરના ટિકિટના ભાવમાં વધારાના સૂચન બાદ નવા દર નક્કી કરવામાં આવ્યા છે. શનિવાર અને રવિવારે ફ્લાવર શોમાં મુલાકાતીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી આ દિવસો માટે 120 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. ફ્લાવર શોની ટિકિટ સાથે જ અટલ બ્રિજની મુલાકાત લઈ શકાશે અને તેના માટે અલગથી ટિકિટ લેવાની જરૂર રહેશે નહીં.

જાહેરાત

વર્ષ 2025: સોમથી શુક્ર : ₹70, શનિ-રવિ : ₹100
વર્ષ 2026: સોમથી શુક્ર : ₹80, શનિ-રવિ : ₹100
વર્ષ 2027: સોમથી શુક્ર : ₹100, શનિ-રવિ : ₹120 (અટલબ્રિજની મુલાકાત પણ સામેલ)

ગત વર્ષે 2026માં સોમવારથી શુક્રવાર દરમિયાન ફ્લાવર શોની સામાન્ય ટિકિટ 80 રૂપિયા અને શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસે 100 રૂપિયા હતી, જ્યારે 2025માં વીક-ડે માટે 70 રૂપિયા અને વીક-એન્ડ માટે 100 રૂપિયા ટિકિટ રાખવામાં આવી હતી. આમ, 2026ની સરખામણીએ આ વખતે બંને કેટેગરીમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

25 કરોડના ખર્ચે 1થી 18 જાન્યુઆરી સુધી ફ્લાવર શો

આગામી 1 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી 2027 સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાશે. આ વર્ષે તેના આયોજન પાછળ અંદાજે 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ફ્લાવર શોમાં ફૂલોમાંથી તૈયાર કરાયેલાં આશરે 60 જેટલાં સ્કલ્પચર્સ અને વિવિધ થીમ આધારિત પ્રતિકૃતિઓ મૂકવામાં આવશે. તેમાં 30 મીટરથી વધુ લાંબી વ્હેલ માછલીનું વિશાળ સ્કલ્પચર મુખ્ય આકર્ષણ રહેશે. આ સ્કલ્પચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા માટે મોકલવામાં આવશે.

વ્હેલ માછલી ઉપરાંત ઓક્ટોપસ, ગાંધીજીની દાંડીયાત્રા, સરદાર પટેલ, હેરિટેજ દરવાજા, અમદાવાદની હેરિટેજ પોળ, ચબૂતરો, સૂર્ય નમસ્કાર, પંચતંત્ર અને બાંધણી પ્રિન્ટ ડિઝાઇન સહિતનાં સ્કલ્પચર્સ પણ તૈયાર કરવામાં આવશે. મુલાકાતીઓ માટે ત્રણ મોટી નર્સરી અને 10 ફૂડ સ્ટોલની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

પાંચ વર્ષમાં ફ્લાવર શો પાછળ 54.19 કરોડનો ખર્ચ, ખોટ છતાં આયોજનનો અભરખો

ફ્લાવર શોનું આયોજન દર વર્ષે વધુ ભવ્ય તો બનાવવામાં આવી રહ્યું છે પણ તેની સાથે ખર્ચમાં પણ વધારો થતો ગયો છે અને ખોટમાં પણ. વર્ષ 2022માં ફ્લાવર શો પાછળ 3.30 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. વર્ષ 2023માં આ ખર્ચ 5.45 કરોડ, વર્ષ 2024માં 11.44 કરોડ, વર્ષ 2025માં 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત વર્ષ 2026માં 21 કરોડ રૂપિયા ખર્ચાયા હતા પરંતુ આવક માત્ર 12 કરોડ જ નોંધાઈ હતી. આમ AMC દેખાડા માટે મોટાપાયે આયોજન તો કરે છે છતાં ખોટમાં ચાલી રહેલા ફ્લાવર શૉને બચાવવા હવે ટિકિટના દર વધારી તેનો આસરો લઈ રહી છે. એક તરફ જનતા મોંધવારી વચ્ચે પિસાઈ રહી છે તેવામાં ટિકિટના ભાવમાં રાહત આપી વધુ મુલાકાતીઓ પણ આકર્ષિત કરી શકાતા હતા પણ AMCને ભાવ વધારામાં જ રસ હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મુલાકાતીઓના ખિસ્સા વધુ કપાય તેવું આયોજન કર્યું છે. આમ, 2022થી 2026 સુધીના પાંચ વર્ષમાં ફ્લાવર શો પાછળ કુલ 54.19 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. હવે 2027ના આયોજન માટે અંદાજે 25 કરોડ રૂપિયાનું આંધણ મુકાશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત