VIDEO: અમદાવાદ ગ્રામ્યમાં ભીષણ આગનું તાંડવ: સાણંદના મોરૈયાની પેકેજિંગ કંપનીમાં આગ, ફાયર ફાઈટરની 8 ગાડીઓ ઘટનાસ્થળે
VIDEO: અમદાવાદ ગ્રામ્યના જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આજે સાંજે આગની એક મોટી ઘટના બની છે. સાણંદ તાલુકાના મોરૈયા ખાતે આવેલી એક પેકેજિંગ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આરોહી પ્રિન્ટિંગ પાર્કમાં આવેલી આ કંપનીમાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ત્રણ કલાકથી ફાયર ફાઈટરની ભારે જહેમત
આગ લાગવાની જાણ થતા જ અમદાવાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ એટલી ભીષણ છે કે છેલ્લા ત્રણ કલાકથી વધુ સમય થવા છતાં હજુ સુધી તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. ફાયર વિભાગ દ્વારા 'ગજરાજ' સહિત આઠ જેટલી ગાડીઓ કામે લગાડવામાં આવી છે. ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આગનું કારણ હજુ અકબંધ
આ ભયંકર આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પેકેજિંગ કંપની હોવાથી અંદર પ્લાસ્ટિક, કાગળ અને કેમિકલ જેવો જ્વલનશીલ જથ્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું અનુમાન છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કંપનીમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે
આગની ઘટનાને પગલે ચાંગોદર પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જેથી ફાયર ફાઈટરોની કામગીરીમાં કોઈ અડચણ ન આવે. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ કૂલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

