અમદાવાદમાં ભારે વરસાદ: 23 અને 24 જુલાઈએ તમામ શાળાઓ-કોલેજોમાં રજા જાહેર

અમદાવાદ શહેરમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર આજે તા. 23 જુલાઈ 2026 અને આવતીકાલે તા. 24 જુલાઈ 2026 એમ બંને દિવસ શહેરની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને દિવસ દરમિયાન તમામ શૈક્ષણિક કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. સાથે જ શાળા અને કોલેજ સંચાલકોને હાલ હાજર વિદ્યાર્થીઓને સલામત રીતે વાલીઓના સંપર્કમાં રહી ઘરે મોકલવાની સૂચના આપવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓ અને કોલેજોને વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી આ સૂચનાની જાણ તાત્કાલિક WhatsApp, SMS, ફોન અથવા અન્ય ઉપલબ્ધ માધ્યમો દ્વારા પહોંચાડવા જણાવ્યું છે. આગામી દિવસોની સ્થિતિ અંગેનો નિર્ણય હવામાન અને પરિસ્થિતિની સમીક્ષા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે.

