Ahmedabad news: વેપારીની કાર રોકી 5.88 લાખનો તોડ કરનાર હેડ કોન્સ્ટેબલની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં દોઢ મહિના અગાઉ એક વેપારીની કાર રોકી તેમની પાસેથી 5.88 લાખ પડાવનાર હેડ કોન્સ્ટેબલની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ કેસમાં હજુ એક ટીઆરબી જવાન ફરાર હોવાથી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
5.88 લાખ રૂપિયા પડાવ્યા હતા
નિકોલમાં દોઢ મહિના પહેલા એક વેપારીની કાર રોકી તેમને ધમકી આપી પોલીસ દ્વારા તોડ કરવામાં આવ્યો હતો. દાસ્તાન સર્કલ પાસે વેપારીને રોકી ટ્રાફિક પોલીસ દ્વારા વેપારી પાસેથી ઓનલાઈન અને રોકડ ગણીને 5.88 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ ત્રણ ટી.આર.બી અને એક હેડ કોન્સ્ટેબલ સંકળાયેલા હતા. પોલીસે હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ શંકરભાઈ ચૌધરીની ધરપકડ છે. આ કેસમાં ટી.આર.બી રાજેશ પટણી અને વિશાલ પટણીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને અજય પટણી ફરાર છે.
આરોપી પોલીસકર્મીના બે દિવસના રિમાન્ડ મંજૂર
પકડાયેલા પોલીસકર્મી નાગજીભાઈ શંકરભાઈ ચૌધરી લગભગ દસ વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે, જે છેલ્લા સવા વર્ષથી આઈ ટ્રાફીક પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. આરોપી નાગજીભાઈના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઘટના સમયે હેડ કોન્સ્ટેબલ નાગજી ભાઈ સ્થળ પર ફરજ બજાવતા હતા. તેમની મંજૂરીથી આ તોડ થયો હતો. હાલ અલગ અલગ એકાઉન્ટમાંથી અમુક રકમ રિકવર થઈ ચૂકી છે.

