અમેરિકા જવા નીકળેલા ગુજરાતી યુવક-યુવતીનું ઇથોપિયામાં અપહરણ, ખંડણીની રકમ ચૂકવાઈ છતાં બંને સંપર્કવિહોણા

અમદાવાદ અને મહેસાણાથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળેલા યુવક-યુવતીનું ઇથોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. અપહરણકારોએ બંનેના પરિવારજનો પાસે કુલ ₹1 કરોડની ખંડણી માગી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે બંને પરિવારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
મહેસાણાના એજન્ટે વિદેશ મોકલ્યા
મળતી માહિતી મુજબ, મહેસાણાનો 23 વર્ષીય ઋત્વિક જાનસરી અને અમદાવાદમાં રહેતી 30 વર્ષીય મમતા ચાવડા અમેરિકા જવા માટે ગુજરાતથી નીકળ્યા હતા. બંનેને મહેસાણાના એજન્ટ અલ્પેશ પટેલે વિદેશ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. 20 સપ્ટેમ્બરના રોજ તેઓ ગુજરાતથી જયપુર પહોંચ્યા હતા અને ત્યાંથી અબુ ધાબી થઈને ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચ્યા હતા.
એડિસ અબાબામાં બંને GSF ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ત્યારબાદ એજન્ટો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાની પરિવારજનોને જાણ થઈ હતી. અપહરણકારોએ બંનેને છોડવા માટે પરિવાર પાસે મોટી રકમની ખંડણી માગી હોવાનું જાણવા મળ્યું છે.
ખંડણીની રકમ ચૂકવાઈ છતાં સંપર્કવિહોણા
આ જ માર્ગે સાથે ગયેલા અન્ય એક યુવકના પરિવારજનોએ ₹70 લાખની ખંડણી ચૂકવી હોવાનું અને ત્યારબાદ તે યુવક મુક્ત થઈને ગુજરાત પરત ફર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે ઋત્વિક અને મમતા માટે પરિવારજનો દ્વારા ખંડણીની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં છેલ્લા ત્રણ દિવસથી બંનેનો કોઈ સંપર્ક થયો નથી.
સમગ્ર મામલે પરિવારજનોએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, ઘટના સામે આવ્યા બાદથી એજન્ટ અલ્પેશ પટેલ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનો દ્વારા બંનેને સુરક્ષિત પરત લાવવા માટે તંત્ર સમક્ષ મદદની માંગ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, આ જ સિન્ડિકેટ દ્વારા અગાઉ યમન મોકલવામાં આવેલા લગભગ 10 ગુજરાતીઓ હજુ પણ લાપતા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે માનવ તસ્કરી અને ગેરકાયદેસર વિદેશ મોકલવાના નેટવર્ક અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. તપાસમાં અપહરણ પાછળ કોણ છે, ખંડણીની માગણી કોણે કરી અને ગુજરાતમાંથી ચાલતા આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

