ઉત્તર ગુજરાતના મુસાફરોને મોટી રાહત! વરેઠા–ગાંધીનગર MEMU ટ્રેન હવે વટવા સુધી દોડશે

અમદાવાદ ઉત્તર ગુજરાત અને અમદાવાદ વચ્ચે રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા વરેઠા–ગાંધીનગર કેપિટલ MEMU ટ્રેનનો વટવા સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે. આ વિસ્તૃત ટ્રેન સેવાનો આજથી વટવા રેલવે સ્ટેશન પરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશ અને સ્થાનિક જનપ્રતિનિધિઓએ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી હતી.
વરેઠા, વડનગર, વિસનગર, મહેસાણા, કલોલ અને ગાંધીનગર સહિતના વિસ્તારોના મુસાફરો હવે અમદાવાદ, સાબરમતી, મણિનગર અને વટવા સુધી સીધી ટ્રેન કનેક્ટિવિટીનો લાભ મેળવી શકશે. ટ્રેનના વિસ્તરણથી વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ અને રોજિંદા મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે.
વિસ્તૃત રૂટ પર ચાંદખેડા રોડ, સાબરમતી, અમદાવાદ અને મણિનગર સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. ટ્રેનમાં હાલમાં 8 કોચ છે અને મુસાફરોની સંખ્યા વધશે તો ભવિષ્યમાં કોચ વધારવા અંગે પણ વિચારણા કરવામાં આવશે.
ટ્રેન નંબર 69207 વટવા–વરેઠા MEMU 29 નવેમ્બરથી વટવાથી સાંજે 5:10 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:30 વાગ્યે વરેઠા પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 69208 વરેઠા–વટવા MEMU 30 નવેમ્બરથી સવારે 6:15 વાગ્યે વરેઠાથી ઉપડી સવારે 10:45 વાગ્યે વટવા પહોંચશે.
રેલવે દ્વારા ભવિષ્યમાં વરેઠાથી અંબાજી સુધી રેલવે લાઇનનું કામ પૂર્ણ થયા બાદ આ ટ્રેનને અંબાજી સુધી વિસ્તારવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે અંબાજી દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને પણ ભવિષ્યમાં રેલવે મુસાફરીનો લાભ મળી શકે છે.















