Ahmedabad/ ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવાનો મામલો, 3 ઈમેલ સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો

અમદાવાદ શહેરની અલગ-અલગ શાળાઓને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળતા સમગ્ર શહેરમાં અને વાલીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ ગંભીર મામલાને ધ્યાને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે વિધિવત રીતે એફ.આઈ.આર. (FIR) નોંધી છે.
સાયબર ક્રાઇમના PSI બન્યા ફરિયાદી
શાળાઓમાં ભયનું વાતાવરણ ઉભું કરનારા તત્વોને પકડવા માટે સાયબર ક્રાઇમના સબ ઇન્સ્પેક્ટર પી.એ. હિરપરાએ પોતે ફરિયાદી બનીને ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે તપાસમાં જાણ્યું છે કે આ ધમકીઓ અલગ-અલગ ત્રણ ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવી હતી.
પોલીસે હાલમાં આ ત્રણ ઈમેલ આઈડીના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને આઈપી એડ્રેસના આધારે તપાસ શરૂ કરી છે. આ ઈમેલ પાછળ કોઈ તોફાની તત્વોનો હાથ છે કે પછી કોઈ મોટું ષડયંત્ર, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમની ટીમે ટૂંક સમયમાં જ આ આરોપીઓને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

