એવોર્ડ મળે છે પણ શહેર સ્વચ્છ છે ખરું? કોંગ્રેસે QR કોડ લોન્ચ કરી મહાનગરપાલિકાઓને ઘેરી

અમદાવાદ સહિત ગુજરાતનાં મહાનગરોમાં સ્વચ્છતાને લઈને ભાજપ સરકાર અને મહાનગરપાલિકાઓ દ્વારા કરવામાં આવતા દાવાઓ સામે હવે કોંગ્રેસે મોરચો ખોલ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ, સુરત અને વડોદરા સહિતનાં શહેરોને અલગ-અલગ કેટેગરીમાં નંબર વન ગણાવી વાહવાહી કરવામાં આવે છે, પરંતુ શહેરોની વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ વાસ્તવિકતા જાણવા માટે કોંગ્રેસ દ્વારા 'વાસ્તવિક સ્વચ્છતા સર્વેક્ષણ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત QR કોડ લોન્ચ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ દ્વારા અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ગંદકી, સફાઈ અને નાગરિક સુવિધાઓ અંગે લોકોનો સીધો અભિપ્રાય લેવામાં આવશે. QR કોડ સ્કેન કરીને નાગરિકો પોતાના વિસ્તારની સ્વચ્છતા અંગે પ્રતિભાવ આપી શકશે. કોંગ્રેસનું કહેવું છે કે સ્વચ્છતાના એવોર્ડ મેળવવા પૂરતું નથી, પરંતુ જમીન પર કામગીરી પણ નંબર વન હોવી જોઈએ.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરપાલિકાઓ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચે છે, છતાં શહેરોમાં ગટર ઉભરાવાની, રસ્તાઓ પર પાણી ભરાવાની અને ગંદકીની સમસ્યાઓ યથાવત્ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં પણ ગંદકી જોવા મળતી હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે સફાઈ કોન્ટ્રાક્ટમાં કોને લાભ થાય છે, સફાઈ કામદારોનું શોષણ થાય છે કે કેમ અને જનતાના કરોડો રૂપિયા ક્યાં ખર્ચાય છે તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. અમદાવાદમાં પીવાના શુદ્ધ પાણીની સમસ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અગાઉના સ્વચ્છતા સર્વેક્ષણની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, અગાઉના સર્વેમાં ખરેખર કોણે ભાગ લીધો તેની ચકાસણી થઈ નહોતી. સર્વે માટે હજારો સર્વેયરો રાખવામાં આવ્યા હોવા છતાં સારી જગ્યાઓનો જ સર્વે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. ઓનલાઈન સર્વેનો ડેટા જાહેર ન કરાયો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
રાવલે રિસાયક્લિંગ અને ભીના-સૂકા કચરાના અલગ સંગ્રહના દાવાઓને પણ પોકળ ગણાવ્યા હતા. જાહેર શૌચાલયોના ફિઝિબિલિટી સર્વે અને ટોયલેટનાં મિનિએચર બનાવવા પાછળ થયેલા ખર્ચ અંગે પણ સવાલો ઉઠાવી જનતાના નાણાંનો યોગ્ય ઉપયોગ કરવાની માગ કરી હતી.
એક તરફ સ્વચ્છતાના એવોર્ડ અને નંબર વન હોવાના દાવા છે, તો બીજી તરફ ગંદકી, ગટર અને કચરાની સમસ્યાઓ અંગે વિપક્ષના સવાલો છે. હવે કોંગ્રેસના QR કોડ અભિયાન દ્વારા નાગરિકોનો કેટલો પ્રતિસાદ મળે છે અને સામે મહાનગરપાલિકાઓ આ આક્ષેપોનો શું જવાબ આપે છે તે જોવું મહત્ત્વનું રહેશે.
જનતાનો QR કોડથી સીધો સવાલ – સ્વચ્છતાના દાવા કેટલા સાચા અને જમીની હકીકત કેટલી અલગ?










