VIDEO: વટવામાં માનવતા શરમાતી ઘટના: એક મહિનાની બાળકીની માત્ર દોઢ લાખમાં કરાઈ તસ્કરી
સંબંધોને શરમાવે તેવી અને કાળજું કંપાવી દે તેવી એક ઘટના વટવા વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે, જ્યાં માત્ર એક મહિનાની માસૂમ બાળકીની કથિત તસ્કરીનો મામલો સામે આવ્યો છે..રાધાબેન નામના મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જ પતિની ધર્મની બહેન—જાગૃતિ—જેમના પર પરિવારે પાંચ-પાંચ વર્ષ સુધી વિશ્વાસ કર્યો, તે જાગૃતિ એક મહિનાની દીકરીને રમાડવાના બહાને લઈ ગઈ અને પરત ન લાવી.જ્યારે પરિવારે દીકરી પાછી માંગી,ત્યારે ક્રૂરતાની હદ વટાવતા કહેવામાં આવ્યું કે,બાળકીને સારા ઘરમાં આપી દીધી છે..તપાસમાં સામે આવ્યું છે કે પીડિત દંપતીએ આરોપી પાસેથી રિક્ષા માટે 1 લાખ ઉધાર લીધા હતા.આ દેવાના બદલામાં માસૂમ બાળકીને નડિયાદમાં આશરે 1.5 લાખમાં વેચી દેવામાં આવી હોવાનો આક્ષેપ છે,જેમાં મુખ્ય સૂત્રધાર જાગૃતિને માત્ર 5,000 મળ્યા હતા.વટવા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી જાગૃતિ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી લીધી છે.. ઘટનાસ્થળના CCTV ફૂટેજ કબજે કરાયા છે અને વધુ તપાસ માટે પોલીસની 2 ખાસ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે.પકડાયેલા તમામ આરોપીઓને આજે જ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે. વિશ્વાસના નામે ખેલાયેલા આ નરાધમ ખેલ પાછળ કોઈ મોટું બાળક તસ્કરીનું રેકેટ કામ કરી રહ્યું છે કે કેમ, તે દિશામાં વટવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

