VIDEO: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ AMCનું બુલડોઝર અભિયાન, 18 મીટરનો રોડ 61 મીટરનો થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક મોટેરા વિસ્તારમાં એક મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી સમયમાં યોજાનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને ધ્યાનમાં રાખીને 18 મીટરના હયાત રોડને હવે 61 મીટર સુધી પહોળો કરવામાં આવશે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવા વૈશ્વિક રમતગમત મહોત્સવોની યજમાની માટે અમદાવાદ અત્યારથી જ સજ્જ થઈ રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટેરા સ્ટેડિયમની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા માટે ગુરુવારે એક મોટું ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
18 મીટરનો રોડ હવે 61 મીટર પહોળો બનશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આવેલા મોટેરા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને વિદેશી મહેમાનોની અવરજવરને સુગમ બનાવવા માટે રોડ વાઈડનિંગની કામગીરી શરૂ કરાઈ છે. અહીં હાલનો 18 મીટરનો હયાત રોડ હવે સીધો 61 મીટર સુધી પહોળો કરવામાં આવશે. આ મેગા પ્રોજેક્ટને કારણે સ્ટેડિયમ આસપાસનો નકશો બદલાઈ જશે.
JCB મશીનો સાથે એસ્ટેટ વિભાગ ત્રાટક્યું
આ રોડ વાઈડનિંગના આયોજનને આડે આવતી મિલકતોને હટાવવા માટે AMCના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે કમર કસી છે. એસ્ટેટ વિભાગની ટીમ કાફલા અને જેસીબી મશીનો સાથે મોટેરામાં ત્રાટકી હતી અને જોતજોતામાં 50થી વધુ કોમર્શિયલ મિલકતો (દુકાનો અને વ્યવસાયિક બાંધકામો) પર ડિમોલિશનની સપાટો બોલાવી દીધો હતો.
કામગીરી સુપર ફાસ્ટ મોડ પર
આગામી સમયમાં વૈશ્વિક કક્ષાની સ્પર્ધાઓ માટે અમદાવાદના આ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને આસપાસના વિસ્તારોનો લુક બદલવાનો ટાર્ગેટ છે. રસ્તાના આયોજનને વેગ આપવા અને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂરું કરવા માટે કોર્પોરેશન દ્વારા અત્યંત ઝડપથી, સુપર ફાસ્ટ મોડ પર આ ડિમોલિશન પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રના આ આકરા વલણને પગલે સ્થાનિક વ્યાપારીઓમાં દોડધામ મચી ગઈ છે.

