અમદાવાદમાં પણ Gen-Zનો વિરોધી મોરચો! મતદાર યાદીમાંથી નામો હટાવવાના મુદ્દે રસ્તા પર ઉતરશે યુવાનો

મતદાર યાદીમાંથી નામો દૂર કરવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે શરૂ થયેલો વિરોધ હવે અમદાવાદ સુધી પહોંચ્યો છે. લોકશાહી અને મતાધિકારના મુદ્દે Gen-Z યુવાનો સહિત વિવિધ યુવા સંગઠનો આજે, 10 ઓક્ટોબરે, અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરશે. આશ્રમ રોડ પર આવેલી એમ.જે. લાઇબ્રેરી પાસે સાંજે યુવાનો એકઠા થઈને સરકાર સામે વિરોધ નોંધાવશે. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે.
યુથ કોંગ્રેસ, NSUI સહિત અનેક સંગઠનો જોડાશે
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનની અસર અમદાવાદમાં પણ જોવા મળશે. આજે સાંજે 6:30 વાગ્યે આશ્રમ રોડ પર એમ.જે. લાઇબ્રેરી પાસે વિવિધ યુવા સંગઠનોના કાર્યકરો અને Gen-Z યુવાનો એકઠા થવાની શક્યતા છે. આ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસ, NSUI ઉપરાંત SFI, SYCA, RDAM, NAPM, AIMSS, DYF અને MSD સહિતનાં સંગઠનો જોડાશે.
આયોજકો અને સંગઠનો સાથે સંકળાયેલા લોકો દ્વારા અંદાજે 400થી 500 લોકો એકઠા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ‘ડેમોક્રેસી અગેઇન્સ્ટ ડિલીટેશન’ના નારા સાથે યોજાનારા આ વિરોધમાં મતદાર યાદીમાંથી નામો દૂર કરવાની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવવામાં આવશે. યુવાનો લોકશાહીની સુરક્ષા અને મતદારોના અધિકારો જાળવવાની માગ સાથે વિરોધ નોંધાવશે.
દિલ્હી આંદોલનની અસર અમદાવાદમાં, પોલીસ એલર્ટ
મતદાર યાદીમાંથી નામો દૂર કરવાના મુદ્દે દેશના વિવિધ વિસ્તારોમાં વિરોધનો સૂર ઊઠી રહ્યો છે. દિલ્હીમાં જંતર-મંતર ખાતે CJP અને અન્ય સંગઠનો દ્વારા યોજાનારા પ્રદર્શન વચ્ચે અમદાવાદમાં પણ યુવા સંગઠનો સક્રિય થયાં છે. કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે વિરોધ નોંધાવવાની તૈયારીને પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.
દિલ્હીમાં યોજાનારા આંદોલનમાં અમદાવાદના યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ તથા કાર્યકરો ભાગ લેવા ન જાય તે માટે પોલીસ સવારથી જ સક્રિય થઈ હોવાના અહેવાલ છે. કેટલાક નેતાઓ અને કાર્યકરોને તેમના ઘરે જ રોકવામાં આવ્યા હોવાની માહિતી છે, જ્યારે કેટલાકની અટકાયત પણ કરવામાં આવી છે.
હવે અમદાવાદમાં સાંજે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં કેટલા યુવાનો જોડાય છે અને પોલીસ દ્વારા કઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

