અમદાવાદમાં નવરાત્રિ-દશેરાને લઈ પોલીસનું જાહેરનામું 11થી 21 ઓક્ટોબર સુધી શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદ શહેરમાં આગામી 11 ઑક્ટોબરથી 20 ઑક્ટોબર સુધી યોજાનાર નવરાત્રિ મહોત્સવ અને દશેરા પર્વ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા તેમજ માર્ગ અકસ્માતો નિવારવા માટે પોલીસ કમિશનરે ભારે વાહનોના પ્રવેશ પર નિયંત્રણ લાદતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ 11/10/2026થી 21/10/2026 સુધી રોજેરોજ સવારે 8 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી શહેરમાં ભારે અને નિર્ધારિત ક્ષમતાથી વધુ પેસેન્જર વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
અમદાવાદમાં નવરાત્રિ-દશેરાને લઈ પોલીસનું જાહેરનામું
અગાઉના જાહેરનામા અનુસાર 7500 કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા ગુડ્ઝ વાહનો, પેસેન્જર વાહનો અને ટ્રેક્ટર-ટ્રોલી પર સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી પ્રતિબંધ હતો, તેમજ 33થી વધુ પેસેન્જર ક્ષમતા ધરાવતી બસો પર સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધ હતો. જો કે, નવરાત્રિ અને દશેરાના તહેવારોને ધ્યાને રાખી આ પ્રતિબંધનો સમય લંબાવીને રોજેરોજ સવારે 8થી રાત્રે 2 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.
11થી 21 ઑક્ટોબર સુધી શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
જાહેરનામાનો અમલ 21/10/2026ના રોજ રાત્રે 02 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ અગાઉના નિયમિત જાહેરનામાઓ આપોઆપ અમલમાં આવી જશે. પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફરજ બજાવતા જોઇન્ટ/એડિશનલ સીપીથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓને જાહેરનામાનો ભંગ કરનારા ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
કયા વાહનોને પ્રવેશ મળશે અને કયા વાહનો પર રોક રહેશે?
-
પ્રવેશ માટે છૂટ: 7500 કિ.ગ્રા. સુધીનું કુલ વજન(GVW) ધરાવતા લાઇટ મોટર વ્હીકલ જેવાં કે તમામ લાઇટ ગુડ્ઝ વ્હીકલ(LGV) અને લાઇટ પેસેન્જર વ્હીકલ(LPV) પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત સ્લીપર સુવિધા સિવાયની 33 મુસાફરો સુધીની બેઠક ક્ષમતા ધરાવતી મિની બસો/પેસેન્જર વાહનો પ્રવેશ કરી શકશે.
-
પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ: 7500 કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા તમામ ગુડ્ઝ વાહનો, ટ્રેક્ટર-ટ્રોલી તેમજ 33થી વધુ બેઠક ક્ષમતાવાળા તમામ પેસેન્જર વાહનો/લક્ઝરી બસો પર સવારે 8થી રાત્રે 2 વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે.

