VIDEO: અમદાવાદની RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ છાવણીમાં ફેરવાયું સમગ્ર સંકુલ
અમદાવાદમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારે શહેરની મુખ્ય RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત ધમકી મળતા તંત્ર અને પોલીસ દોડતું થયું હતું. ધમકીભર્યા સંદેશાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ છાવણીમાં ફેરવાયું RTO સંકુલ
ધમકીની જાણ થતાં જ RTO સત્તાધીશોએ રાણીપ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સંભવિત જોખમને ટાળવા માટે તાત્કાલિક ધોરણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને વિવિધ કામકાજ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રેક પર ટેસ્ટ આપવા આવેલા અનેક ઉમેદવારોની કામગીરી પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને સલામતી ખાતર તેમને પરત મોકલી દેવાયા હતા.
ધમકીઓનો સિલસિલો ચિંતાનો વિષય
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદની નામચીન શાળાઓ, કોલેજો, પાસપોર્ટ ઓફિસ તેમજ ગ્રામ્ય કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ જેવી સંવેદનશીલ સંસ્થાઓને પણ આ પ્રકારે બોમ્બની ધમકીઓ મળી ચૂકી છે. વારંવાર મળી રહેલી આ પ્રકારની અજ્ઞાત ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. શું આ માત્ર કોઈની તોફાની હરકત છે કે કોઈ મોટું કાવતરું, તે તપાસનો વિષય બન્યો છે.

