Ahmedabad news: NEET પેપર લીક મુદ્દે NSUIના કાર્યકરોની પોલીસે કરી અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો

સમગ્ર દેશમાં હાલ નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી ઍન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ(NEET)માં પેપર લીકને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. ત્યારે આજે (13મી મે) અમદાવાદમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા(NSUI) દ્વારા ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાંનો આરોપ
ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ પાસે એકત્ર થયેલા NSUIના કાર્યકરોએ હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. NSUIના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, NEET જેવી મહત્ત્વની પરીક્ષામાં પેપર લીક થવાથી લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે. સરકારી તંત્ર અને પરીક્ષા લેતી એજન્સીઓની બેદરકારીને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે.
પોલીસ સાથે ઘર્ષણ અને અટકાયત
દેખાવો દરમિયાન સ્થિતિ વણસતી જોઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. NSUIના કાર્યકરો જ્યારે ઉગ્ર દેખાવો કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમની અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.
રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
NSUIએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિની તટસ્થ તપાસ થવી જોઈએ. પીડિત વિદ્યાર્થીઓને વહેલી તકે યોગ્ય ન્યાય મળવો જોઈએ. જો સરકાર કે સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. હાલમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ મુદ્દે રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે.

