Ahmedabad news: આરોપી એક અઠવાડિયાથી પેપર કટર લઈને ફરતો હતો, સેવન્થ ડે શાળામાં હત્યા મામલે થયો ઘટસ્ફોટ

સોર્સ : GSTV
Ahmedabad news: અમદાવાદની સેવન્થ ડે શાળામાં બે વિદ્યાર્થીઓની બબાલ હત્યામાં પરિણમ્યા બાદ આજે સતત બીજા દિવસે મૃતકના પરિવારજનોએ ભારે આક્રોશ સાથે શાળા બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે આજે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં સગીર આરોપી એક સપ્તાહથી પેપર કટર સાથે લઈને ફરતો હતો.
આરોપી તકરારનો બદલો લેવાની ફિરાકમાં હતો
શહેરની ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળામાં ધોરણ 10 ના વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો મચ્યો છે. આરોપી સગીરને કડકમાં કડક સજા કરવા મૃતકના પરિજનોની માંગ છે, ત્યારે આજે આરોપી વિશે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. મૃતક નયનને એક અઠવાડિયા પહેલા સગીર આરોપી સાથે તકરાર થઈ હતી. આરોપી આ થયેલી તકરારનો બદલો લેવાની ફિરાકમાં હતો અને એક સપ્તાહથી તે પેપર કટર સાથે લઈને ફરી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

