તૂટતી પરિવાર વ્યવસ્થા બચાવવા પાટીદાર સમાજની નવી પહેલ, મહિલાઓ દર રવિવારે કરશે ‘ડિજિટલ ઉપવાસ’

અમદાવાદમાં પાટીદાર સમાજ દ્વારા ડિજિટલ ઉપવાસની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે મહિલાઓને સપ્તાહમાં એક દિવસ સોશિયલ મીડિયાથી દૂર રહી પરિવાર સાથે સમય વિતાવવાનો અનોખો સંદેશ આપ્યો છે.
આ પહેલ અંતર્ગત મહિલાઓને દર રવિવારે ડિજિટલ ઉપવાસ કરવાનો શપથ લેવડાવવામાં આવ્યો છે. મહિલાઓ એક દિવસ Instagram અને Facebook સહિત સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરે અને પોતાનો સંપૂર્ણ સમય પરિવારને આપશે.
સોશિયલ મીડિયાના વધતા વળગણને કારણે સામાજિક સંબંધો અને પરિવાર વ્યવસ્થા પર અસર થઈ રહી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તૂટતી પરિવાર વ્યવસ્થાને અટકાવવા અને બાળકોના ઉછેરમાં માતાઓ વધુ સમય ફાળવે તે હેતુથી વિશ્વ ઉમિયાધામ દ્વારા આ આહવાન કરવામાં આવ્યું છે.
આર.પી. પટેલે મહિલાઓને અઠવાડિયામાં એક દિવસ ડિજિટલ દુનિયાથી દૂર રહી પરિવાર, બાળકો અને સંબંધોને સમય આપવા અપીલ કરી છે.













