Ahmedabadના બાપુનગરમાં 50 લાખની લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા, મુખ્ય આરોપીની પત્ની લાખોની રોકડ સાથે ઝડપાઈ

અમદાવાદના બાપુનગરમાં ડાયમંડ માર્કેટથી 50 લાખ રૂપિયાની રોકડ લઈને જઈ રહેલા વેપારીની કારના કાચ તોડી લૂંટ ચલાવવાની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ તપાસમાં આ લૂંટ કુખ્યાત 'છારા ગેંગ' દ્વારા આચરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ ગુનામાં ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની પત્નીની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી લૂંટાયેલી રકમમાંથી 25 લાખ રૂપિયાની રોકડ રિકવર કરી છે.
અકસ્માતનું નાટક રચીને ચલાવી હતી લૂંટ
મળતી માહિતી અનુસાર, આ ચકચારી લૂંટની ઘટના ગત 27મી જૂનના રોજ સવારે બની હતી. કેતનકુમાર બાપુનગર ડાયમંડ માર્કેટથી રોકડ રકમ લઈને કોઠારી હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એડીસી બેન્ક મારુતિ પ્લાઝા નજીક બાઈક સવાર શખસોએ તેની કારને ટક્કર મારીને જાણીજોઈને ઝઘડો શરૂ કર્યો હતો. વેપારીનું ધ્યાન ભટકાવીને તકનો ફાયદો ઉઠાવી આ શખસો કારનો કાંચ તોડી 50 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ ઉઠાવીને રફુચક્કર થઈ ગયા હતા.
મુખ્ય આરોપીની પત્ની પાસે લૂંટનો મુદ્દામાલ છુપાવવામાં આવ્યો
ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલના જણાવ્યાનુસાર, ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ફરિયાદીએ આપેલા વર્ણન, કપડાના રંગ અને પોલીસ રેકોર્ડમાં રહેલા આરોપીઓના પ્રોફાઈલ ફોટોગ્રાફ્સના આધારે ફરિયાદીએ મુખ્ય આરોપી અજય ઉર્ફે અજુબા ગાંગડેકરને ઓળખી કાઢ્યો હતો. આ ઉપરાંત લૂંટ વખતે અન્ય સાગરીતોએ પણ અજુબાનું નામ લીધું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસને તપાસમાં મુખ્ય આરોપી અજુબાની પત્ની દિવ્યા અજુબા ગાંગળેકર પાસે લૂંટનો મુદ્દામાલ છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દિવ્યાની શોધખોળ કરી તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 25 લાખ રૂપિયા રોકડા મેળવ્યા હતા.
દિવ્યા જ લૂંટના પૈસાનું હેન્ડલિંગ કરતી
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ જ્યારે પણ લૂંટ, ચોરી કે સ્નેચિંગ જેવા ગુના આચરે છે, ત્યારે તમામ મુદ્દામાલ દિવ્યાને જ સોંપવામાં આવતો હતો. દિવ્યા જ આ લૂંટના પૈસાનું હેન્ડલિંગ કરતી હતી. એટલું જ નહીં, જ્યારે ગેંગનો કોઈ સભ્ય પકડાય ત્યારે કોર્ટ અને લીગલ પ્રોસીડિંગ્સ (જામીન વગેરે)ની કામગીરી પણ દિવ્યા જ સંભાળતી હતી.
આ ગુનામાં સંડોવાયેલી છારા ગેંગ સામે ભૂતકાળમાં GUJCTOC જેવા કડક કાયદા હેઠળ ગુનો દાખલ થયેલો છે. આ ગેંગના મુખ્ય સાગરીતોમાં અજય ઉર્ફે અજુબા ગાંગડેકર, પ્રતીક અને વિશાલ તનવાણી સામેલ છે. લૂંટના આ બનાવમાં કુલ ત્રણ આરોપીઓ સક્રિય હતા. હાલ પોલીસે પકડાયેલી મહિલા આરોપી દિવ્યાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી બાકીના 25 લાખ રૂપિયા ક્યાં છે અને અજુબા સહિતના અન્ય ફરાર આરોપીઓ ક્યાં છુપાયા છે તેનો પત્તો લગાવી શકાય.

