Ahmedabad એરપોર્ટ પર બેંગકોકથી લવાયેલો 3.9 કિલો 'હાઈડ્રોપોનિક ગાંજો' જપ્ત, એકની ધરપકડ

ગુજરાતમાં નશાના કારોબાર પર લગામ કસવા માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી કાર્યવાહી કરતા લાખોની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. બેંગકોકથી ડ્રગ્સ લઈને આવેલા એક મુસાફરને રંગેહાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટ્રોલી બેગમાં છુપાવ્યો હતી ગાંજો
મળતી માહિતી મુજબ, એર ઇન્ટેલિજન્સ યુનિટને બાતમી મળી હતી કે એક મુસાફર પ્રતિબંધિત નશીલા પદાર્થો સાથે અમદાવાદ આવી રહ્યો છે. બેંગકોકથી આવેલી ફ્લાઈટના એક યાત્રીની શંકાસ્પદ હિલચાલ જણાતા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન યાત્રીની ટ્રોલી બેગમાંથી 3.9 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
શું છે હાઈડ્રોપોનિક ગાંજો?
હાઈડ્રોપોનિક ગાંજો એ સામાન્ય ગાંજા કરતા ઘણો મોંઘો અને કેમિકલ પ્રોસેસથી ઉગાડવામાં આવતો નશો છે. આ ડ્રગ્સ માટી વગર માત્ર પાણી અને પોષક તત્વોના સહારે ઇન્ડોર પ્લાન્ટેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે, જે અત્યંત નશીલું હોય છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ખૂબ ઊંચી હોય છે.
કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો
ઝડપાયેલા આરોપીની ધરપકડ કર્યા બાદ તેને અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી છે કે આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું અને આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે. કોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખી આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડી (જેલ હવાલે) મોકલવાનો આદેશ આપ્યો છે.

