અમદાવાદના મનપસંદ જીમખાનામાંથી 187 જુગારીઓ ઝડપાયા, આ મોડસ ઓપરેન્ડીથી ધમધમતો હતો અડ્ડો

અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)એ દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં જુગારધામ ચાલતું હોવાની પાકી માહિતી મળી હતી. આ માહિતીની ખરાઈ કર્યા બાદ, SMCની કુલ પાંચ ટીમોએ સંકલન કરીને ત્યાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતા અને રમાડતા કુલ 187 જેટલાં લોકોને પકડ્યા છે અને તેમની પાસેથી 3 લાખથી વધુની રોકડ રકમ, 25 થી વધુ વાહનો તેમજ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં 24 કલાક ચાલી SMCની રેડ
આ કેસનો મુખ્ય આરોપી ગોવિંદ ઉર્ફે ગામા કોળીદાસભાઈ પટેલ છે, જેની સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂકેલા છે અને તેને તથા અન્ય બોર્ડ ભાડે રાખનારા તમામને પણ આ રેડમાં ઝડપી લેવામાં આવ્યા છે. SMCની આ રેડ 24 કલાકથી વધુ સમય ચાલી હોવાનું જણાય છે.
187 જુગારીઓ ઝડપાયા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ જુગારધામ ચલાવવાની મોડસ ઓપરેન્ડી બહુ જ અલગ હતી. જેમાં સીધી રોકડની લેવડદેવડ ઘણી ઓછી જોવા મળી હતી. જુગાર રમવા આવનારે અગાઉથી પૈસા જમા કરાવીને એક રસીદ મેળવવાની રહેતી હતી અને પહેલા કે બીજા માળે જઈને રાઈટરને તે રસીદ બતાવે એટલે પ્રિન્ટેડ શીટ પર તેની સિલક નોંધાઈ જાય, ત્યારબાદ જ અહીં જુગાર રમાતો હતો.
સમગ્ર મામલે પોલીસે પંચનામું કરીને FIR નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, આખા નેટવર્કમાં મની ટ્રેલ કઈ રીતે થતી હતી અને કોને કેટલો ફાયદો મળતો હતો તેની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જેથી તમામ પુરાવાઓ એકત્રિત કરીને આરોપીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરી શકાય.

