અમદાવાદમાં ઉછીના પૈસા માટે ઘરઘાટી પર હુમલો કરવાના કેસમાં 11ની ધરપકડ

ગુજરાતભરમાંથી સતત હુમલા અને મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ સમગ્ર ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે અને અસામાજીક તત્વોનું લિસ્ટ બનાવી એ તમામને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ આવા લુખ્ખા તત્વોનો આતંક યથાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદમાંથી પણ એક હુમલાની ઘટના સામે આવી હતી જેમાં તમામ હુમલાખોરોને પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદમાંથી તાજેતરમાં પૈસાની લેવડદેવડ મામલે હુમલાની ઘટના સામે આવી હતી. અમદાવાદ શહેરના પશ્ચિમમાં આવેલા શેલા વિસ્તારમાં સ્કાય સિટી પાસે બે દિવસ પહેલા આ હુમલાનો બનાવ હન્યો હતો. જેમાં ઉછીના પૈસા ન આપતા ઘરઘાટી પર 12 શખ્સોએ હુમલો કર્યો હતો.
ઘરઘાટીએ ઉછીના પૈસા ન આપતા 12 લોકોએ કર્યો હુમલો
મળતી માહિતી પ્રમાણે, યોગેશ મીણા અને રાહુલ સરપોટાએ ઘરઘાટી પાસે ઉછીના રૂપિયા માંગ્યા હતા. જેથી ઘરઘાટીએ રૂપિયા આપવાની ના પાડતા તેના પર લાકડીના દંડા અને વાયરથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને માર મારતા સમયનો વીડિયો પણ સામે આવ્યો હતો. જો કે, પોલીસે ગણતરીના દિવસોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર હુમલાને મામલે બોપલ પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરીને 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

