અમદાવાદ સહિત 7 જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ઠપ, મુખ્યમંત્રીએ સ્થિતિનો તાગ મેળવ્યો
અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદ ધુઆંધાર બેટિંગ કરી રહ્યો છે. હવામાન વિભાગે સાતમ, આઠમ અને નોમના દિવસે

અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદ ધુઆંધાર બેટિંગ કરી રહ્યો છે. હવામાન વિભાગે સાતમ, આઠમ અને નોમના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતું એલર્ટ જારી કર્યું છે. અનરાધાર વરસાદના લીધે કેટલાક જિલ્લાઓની સ્થિતિ એકદમ વિકટ બની છે. જળબંબાકાર અને નુકસાનને ધ્યાનાં લેતાં મુખ્યમંત્રીએ જિલ્લાઓના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી સતર્ક રહેવા અને યોગ્ય વ્યવસ્થા તાકીદ કરવા અપીલ કરી છે.
ગુજરાતની જનતાને પણ આગામી 24 કલાક કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે, જનજીવન ખોરવાઈ ગયું છે. તેમાંય સાત જિલ્લામાં વરસાદથી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.
સંત સરોવરના જળસ્તરમાં વધારો
ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં સાબરમતી નદી પર બનેલા સંત સરોવરના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે.
મુખ્યમંત્રી વિવિધ જિલ્લાના કલેક્ટર સાથે સંપર્કમાં
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના મોરબી, કચ્છ, રાજકોટના કલેક્ટર સાથે વાતચીત કરી સ્થિતિની ગંભીરતાનો તાગ મેળવ્યો છે. સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગરના કલેક્ટર સાથે પણ વાત કરી જરૂરી પગલાં લેવા નિર્દેશ કર્યો છે. બીજી બાજુ ભરૂચ અને ડાંગમાં પણ ભારે વરસાદને લીધે જનજીવનને નડી રહેલી અડચણો અને તારાજી ન સર્જાય તેવા માટે જરૂરી પગલાં લેવા ત્યાંના કલેક્ટરનો સંપર્ક સાધ્યો છે. વધુમાં પશુધનની પણ સલામતી અને રક્ષણની વ્યવસ્થા કરવા ખાસ સૂચન કરવામા આવ્યુ છે.
અમિત શાહે મુખ્યમંત્રી સાથે કરી વાત
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારમે પુર જેવી સ્થિતિ ઉભી થઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે વાત કરી છે અને તેમને કેન્દ્ર સરકાર પાસેથી દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે.








