Gujaratમાં બે સ્થળે ગંભીર અકસ્માતમાં કુલ 3ના મોત, 1 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

Gujarat Accident News: ગુજરાતભરમાં જાણે અકસ્માતની હારમાળ સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં આજે રાજ્યમાંથી 2 ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યાં છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સાબરકાંઠામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજના કતપૂર ટોલ પ્લાઝા પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. કતપૂર ટોલ પ્લાઝા પાસે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. કાર સાથે અક્સ્માત સર્જાતા બાઈક પર સવાર બે યુવાનોના મોત નિપજ્યા હતા. કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર બંને યુવાનો સીતવાડા ગામના હોવાના પ્રાથમિક માહિતી મળી રહી છે. બંને મૃતકોને પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાજકોટમાં બાઈક કેનાલમાં ખાબકતા 1નું મોત
રાજકોટ જિલ્લામાં જેતપુરના સરધારપુર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકે ગોળાઈમાં કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક ફંગોળાઈને રોડ સાઈડમાં આવેલ મીની કેનાલના ધોરીયામાં ખબક્યા હતા. અકસ્માતની ઘટનામાં બાઇકમાં સવાર બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. બાઇકમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તને જેતપુર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થ જૂનાગઢ ખસેડાયો છે. જેતપુર ઉદ્યોગ નગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

