મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડભોઈમાં નદી કિનારે માછીમારી કરવા બેસેલા આધેડને મગરે પાણીમાં ખેંચી પોતાનો શિકાર બનાવ્યો

વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં માછીમારી કરવા બેસેલા આધેડને મગરે પોતાનો શિકાર બનાવ્યો

ડભોઈમાં નદી કિનારે માછીમારી કરવા બેસેલા આધેડને મગરે પાણીમાં ખેંચી પોતાનો શિકાર બનાવ્યો

વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં માછીમારી કરવા બેસેલા આધેડને મગરે પોતાનો શિકાર બનાવ્યો છે. ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ પાસેના  ગામડી ગામે આ બનાવ બન્યો જેમાં ઓરસંગ નદીના કાંઠે માછીમારી માટે બેઠેલા આધેડને મગર પાણીમાં ખેંચી ગયો હતો.

મૂળ માથાસર ગામ દેડીયાપાડા તાલુકાના અને હાલ શિનોર તાલુકાના સતીષાણા ગામે ખેડૂતને ત્યાં મજુરી કામ અર્થે રહેતા આધેડને મગરે પોતાનો કોળિયો બનાવ્યો હતો. 50 વર્ષીય પારસીંગભાઇ ડોશીયાભાઈ વસાવા અન્ય ત્રણ મિત્રો સાથે ગામડીના ઓરસંગ કિનારે માછીમારી માટે ગયા હતા. નદી કિનારે પગ લબડાવીને માછીમારી કરી રહેલા પારસિંગ વસાવાને નદીમાં ધસી આવેલો મગર ખેંચી ગયો હતો. બનાવ અંગે બૂમાબૂમ થતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. તેમજ મામલાની જાણ થતાં ચાંદોદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

મગર પોતાના જડબામાં આધેડને લઈ પાણીમાં આંટાફેરા મારતો હતો. આખરે વડોદરા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. આજ વિસ્તારમાં વારંવાર મગર માનવને કોળિયો બનાવતો હોય છે તેમ છતાં પણ લોકો લાપરવાહ બની રહ્યા છે. ઓરસંગ નદીના કાંઠે મગરે માનવને મોતને ઘાટ ઉતાર્યાની આ પાંચમી ઘટના બની છે.

આ સમાચાર શેર કરો