સરખેજમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, કરોડોનો માલ જપ્ત

રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે સુરક્ષા એજન્સીઓએ લાલ આંખ કરી છે, ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરખેજના મોહમ્મદી પાર્ક નજીક આવેલા એક રહેણાંક મકાનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમે બાતમીના આધારે ઓચિંતો દરોડો પાડીને મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી ઝડપી પાડી છે. રહેણાંક વિસ્તારની વચ્ચોવચ ચાલતા આ નશાના નેટવર્કનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ભોંયરામાં ગુપ્ત રીતે ધમધમતી હતી ડ્રગ્સની લેબોરેટરી, કરોડોનો કાચો માલ જપ્ત
NCBના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે સરખેજ વિસ્તારમાં ગેરકાયદે રીતે સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે ટીમે મોહમ્મદી પાર્ક પાસેના એક મકાન પર ત્રાટકીને સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મકાનના ભોંયરામાં અત્યંત ગુપ્ત રીતે બનાવવામાં આવેલી ડ્રગ્સ લેબોરેટરી જોઈને ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સ્થળ પરથી એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટે વપરાતો કરોડો રૂપિયાની કિંમતનો કાચો માલ (રો-મટિરિયલ), કેમિકલ્સ અને ઉત્પાદન માટેના સાધનોનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
મકાન માલિકની અટકાયત, આરોપીના કોફી શોપ પર પણ તપાસનો ધમધમાટ
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મકાન માલિકની અટકાયત કરી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે આરોપી એક કોફી શોપ પણ ચલાવે છે. ડ્રગ્સના વેચાણ કે નેટવર્કના તાર આ કોફી શોપ સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ કરવા માટે એજન્સીઓ દ્વારા આરોપીના કોફી શોપ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
હાલ સુરક્ષા એજન્સીઓ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ ફેક્ટરી કેટલા સમયથી ધમધમતી હતી, ડ્રગ્સ બનાવવા માટેનું કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું અને તૈયાર થયેલો નશાનો જથ્થો કયા-કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો. આગામી દિવસોમાં આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની અને અન્ય આરોપીઓની ધરપકડ થવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે.







