BOTAD : ભાણાના કારણે મામાએ ઝેર પીવું પડ્યું! વ્યાજખોરોના ત્રાસથી 45 વર્ષીય પુરૂષનો આપઘાત
Botad News : બોટાદમાં ભાવનગર રોડ પર રહેતા 45 વર્ષીય પુરૂષે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વાડ

Botad News : બોટાદમાં ભાવનગર રોડ પર રહેતા 45 વર્ષીય પુરૂષે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વાડી વિસ્તારમાં જઈને ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના પિતાએ બે વ્યાજખોરો સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોટાદના ભાવનગર રોડ પર આવેલ સીતારામ નગર-1માં રહેતા 45 વર્ષીય જયસુખભાઈ ગાંભવાએ વાડી વિસ્તારમાં જઈને ઝેરી દવા પી લીધી હતી. જયસુખભાઈ તેમના ભાણેજ નિજિલ સાથે ઓનલાઈન વેપાર કરતા હતા અને તેમના પત્ની ચોગઠ ગામમાં હેન્ડલૂમનો વેપાર કરતા હતા. ભાણેજ નિજિલને નાણાની જરૂર પડતાં જયસુખભાઈએ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના સાર્દુળભાઈ મેર પાસેથી રૂપિયા 8.50 લાખ અને ભાવનગરના ભરતભાઈ સોહલા પાસેથી 7.50 લાખ 8 ટકાના વ્યાજે લીધા હતા.
ભાણેજ દ્વારા વ્યાજની રકમ ન ચૂકવાતા વ્યાજખોરોએ જયસુખભાઈને વારંવાર ધમકીઓ આપી ઉઘરાણી કરવાનું શરૂ કર્યું હતું આ ત્રાસથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
મૃતકના પિતા ઠાકરશીભાઈ ગાંભવાએ બંને વ્યાજખોરો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે સાર્દુળભાઈ મેર અને ભરતભાઈ સોહલા સામે કલમ 108, 351-3,54 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.






