VIDEO: સામાન્ય માવઠાએ ખોલી તંત્રની પોલ! ચોમાસા પહેલા જ પડ્યા 3 મોટા ભૂવા
સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. શહેરના મરકબા વિસ્તારમાં 24 કલાકની અંદર બીજો ભૂવો પડ્યો છે.

સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. શહેરના મરકબા વિસ્તારમાં 24 કલાકની અંદર બીજો ભૂવો પડ્યો છે.5મી મેના રોજ આ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો, જેમાં રિક્ષા ફસાઈ હતી. હજુ આ વાત જૂની થઈ નથી, ત્યારે અન્ય એક ભૂવો પડતા તંત્રમાં દોડધામ મચી હતી.કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સ્થાનિક વહીવટીતંત્રની ટીમે ભૂવાની આસપાસ બેરિકેટિંગ કર્યું હતું.
માનસી સર્કલથી જજીસ બંગલો જવાના રોડ પર વિશાળ ભૂવો પડ્યો
અમદાવાદના માનસી સર્કલથી જજીસ બંગલો જવાના રોડ પર વિશાળ ભૂવો પડ્યો હતો.જેના કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ગોયલ પ્લાઝાની સામે પડેલા આ ભૂવા કારણે માર્ગ પર વાહનો અને પદયાત્રીઓ માટે ખતરો ઊભો થયો છે. દુકાનોની બહાર પડેલા ભૂવા કારણે વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તંત્રને ભૂવા ઝડપથી પુરવા માટે અપીલ
સ્થાનિક રહીશોએ તંત્રને ભૂવા ઝડપથી પુરવા માટે અપીલ કરી છે.આ અગાઉ, ગટરના ખોદકામના કારણે આ રોડ બેસી ગયો હતો, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન ન આપવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તંત્રએ ભૂવાની આજુબાજુની વિસ્તારોને બેરિકેટ્સ લગાવીને કોર્ડન કર્યું છે, પરંતુ સ્થાનિકો દ્વારા વધુ તાત્કાલિક કામગીરીની માંગણી કરવામાં આવી રહી છે.
મકરબામાં પણ પડ્યો હતો ભૂવો
અમદાવાદના મકરબામાં મેઈન રોડ પર ભૂવો પડતા એક રિક્ષાચાલક અહીંથી પસાર થતો હતો. આ દરમિયાન તેનું ધ્યાન ચૂક થતાં રિક્ષા ભૂવામાં ખાબકી હતી. પહેલા એક નાનકડો ખાડો હતો પણ રોડ બેસી જતાં ધડાકા સાથે ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં રિક્ષાનો આગળનો ભાગ ગરકાવ થયો હતો. જેમાં રિક્ષાચાલકને ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.






