ગુજરાતમાં આપઘાતની 2 ઘટના: વડોદરામાં યુગલે મહી નદીમાં ઝંપલાવ્યું, સુરેન્દ્રનગરમાં યુવકે ગળેફાંસો ખાધો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં બે દિવસ પૂર્વે એક કિશોર અને કિશોરીએ ન

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં બે દિવસ પૂર્વે એક કિશોર અને કિશોરીએ નદીમાં ઝંપ લાવ્યું હતું. છેલ્લા બે દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં કિશોર અને કિશોરીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જો કે તેમની કોઈ ભાળ મળી ન હતી. તેવામાં એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન મહી નદીમાં કિશોર અને કિશોરીના આત્મહત્યા કરવાના પ્રકરણમાં બે દિવસ બાદ આજે એનડીઆરએફના જવાનોને બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં આગ લાગવાની 2 ઘટના: અમરેલીમાં ટ્રક ભડકે બળ્યો, વડોદરાની કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ
ઉલ્લેખનીય છે કે, બ્રિજ નીચેથી બિનવારસી હીરો સ્પ્લેન્ડર બાઈક તેમજ ચપ્પલ સહિતની ચીજ વસ્તુઓ મળી આવતા તેઓની પ્રાથમિક ઓળખ થતી થઈ હતી. સ્પ્લેન્ડર બાઈક પાસેથી જેકેટ અને ચપ્પલ મળી આવ્યા બાદ આત્મહત્યાની આશંકાએ મહી નદીમાં તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વિવેક સોમાભાઈ ભોઈ અને જયુબેન લાલજીભાઈ ગોહિલે મોતની છલાંગ લગાવી હતી. બે દિવસ બાદ બંનેના મૃતદેહ મળી આવતા બનાવને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બનાવને લઈને સાવલી પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ બંન્નેમાંથી કિશોર ધોરણ 12માં અને કિશોરી ધોરણ 10માં વાંકાનેર એન.ડી.ભાવસાર શાળામાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
સુરેન્દ્રનગરમાંથી પણ એક યુવક દ્વારા ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના અખિયાણા ગામે યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. યુવક મૂળ હળવદ તાલુકાના સાપકડા ગામનો રહેવાસી હતો. કિશનભાઈ મંગાભાઈ રાઠોડ નામના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુકવ્યું હતું. યુવકે ઘરમાં જ દુપટો બાંધી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.






