'ટોક્સિક' નિષ્ફળ જતાં યશ નિરાશ, મિત્રએ વર્ણવી ફોન પર થયેલી ભાવુક વાતચીત!

કન્નડ સુપરસ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ 'Toxic: A Fairy Tale for Grown-Ups'ને બોક્સ ઓફિસ પર નબળો પ્રતિસાદ મળ્યા બાદ અભિનેતા અંદરથી ખૂબ દુઃખી છે. ફિલ્મની કન્નડ ડબિંગ ટીમનો હિસ્સો રહેલા અને યશના નજીકના મિત્ર કન્નડ એક્ટર જયદેવ મોહને ફિલ્મના ખરાબ પ્રદર્શન પર યશની પ્રતિક્રિયા અને તેમની મનોસ્થિતિ અંગે મોટો ખુલાસો કર્યો છે. જયદેવના જણાવ્યા મુજબ, ફિલ્મ રિલીઝ થયા પછી ફોન પર થયેલી વાતચીત દરમિયાન યશના અવાજમાં દર્દ સાફ છલકાઈ રહ્યું હતું.
'આ વાતને દિલ પર ન લે': ફોન પર યશના શબ્દો
આ વિશે મીડિયા સાથે વાતચીત કરતાં જયદેવ મોહને જણાવ્યું હતું કે 26 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થયા બાદ તેઓ યશને રૂબરૂ મળી શક્યા નથી, પરંતુ ફોન પર બે વાર વાતચીત થઈ છે. યશના શબ્દોને યાદ કરતાં જયદેવે જણાવ્યું હતું કે:
"યશે કહ્યું, 'આ વાતને દિલ પર ન લે. જે થઈ ગયું તે થઈ ગયું, ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. હવે આ નિર્ણય દર્શકો પર છોડી દઈએ. આ તેમની પસંદ છે. આપણે પૂરી લગન અને મહેનતથી ફિલ્મ બનાવી અને દર્શકો સમક્ષ રજૂ કરી દીધી. બસ આટલું જ. આ વિશે વધારે વિચારવાનું બંધ કર અને આગળના પ્રોજેક્ટ્સ માટે તૈયાર થઈ જા. સમજ્યો? જલ્દી મળીએ છીએ.'"
જયદેવે ઉમેર્યું કે યશનો જવાબ અત્યંત માપસરનો અને પ્રોફેશનલ હતો, પરંતુ તેમના શબ્દો પાછળ રહેલા અવાજના ટોનમાં અસહ્ય દર્દ સ્પષ્ટપણે મહેસૂસ થઈ રહ્યું હતું.
સાડા ચાર વર્ષની અથાક મહેનતનું પરિણામ
જયદેવ માટે યશનું આ દુઃખ સમજવું સ્વાભાવિક હતું, કારણ કે તેઓ જાણતા હતા કે યશ આ પ્રોજેક્ટ સાથે કેટલા લાંબા સમયથી જોડાયેલા હતા. તેમણે જણાવ્યું કે આ વાર્તા જ્યારે એક નાનો વિચાર હતો ત્યારથી લઈને છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન તેના વિવિધ તબક્કાઓમાંથી પસાર થતી તેમણે જોઈ છે. આખી પ્રક્રિયા પાછળ યશનું સંપૂર્ણ સમર્પણ હતું, જેથી આ નિષ્ફળતાથી તેમને ઊંડો આઘાત લાગ્યો છે.
'દર્શકો સમજ્યા નહીં તેવો આરોપ મૂકવો ખોટો'
આટલા ભાવનાત્મક બોજ છતાં, જયદેવ કે યશ દર્શકોને દોષી માનતા નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે:
દર્શકોનો નિર્ણય સર્વોપરી છે અને મેકર્સે તેને શાલીનતાપૂર્વક સ્વીકારવો જોઈએ.
જયદેવે ખાસ કરીને એ દલીલને સંપૂર્ણપણે ફગાવી દીધી કે દર્શકો ફિલ્મનો કોન્સેપ્ટ સમજી શક્યા નથી. તેમણે સ્પષ્ટ કહ્યું, "અમે સારી ફિલ્મ બનાવી અને દર્શકો તેને સમજી ન શક્યા તેવું વિચારવું ખોટું છે. ફિલ્મ લોકો માટે બનાવી હતી, જો તેમને ગમશે તો તેઓ જોશે, ન ગમે તો ન જુએ."
બોક્સ ઓફિસ પર નબળું કલેક્શન
એક ઇન્ડસ્ટ્રી ટ્રેકરના રિપોર્ટ અનુસાર, 'ટૉક્સિક' ફિલ્મે પોતાની રિલીઝના પ્રથમ 14 દિવસમાં વિશ્વભરમાંથી માત્ર અંદાજે ₹338 કરોડની કમાણી કરી છે. ઓપનિંગ વીકેન્ડ બાદ ફિલ્મના દૈનિક કલેક્શનમાં ભારે કડાકો બોલી ગયો છે અને આગળ પણ બોક્સ ઓફિસ પર સુધારાના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી.

