મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: 'ટોક્સિક'ના ટ્રેલર લોન્ચમાં નયનતારાએ કર્યા યશના મુક્તકંઠે વખાણ, યશની આ આવડત પર ચોકી નયનતારા!

સાઉથના સુપરસ્ટાર એક્ટર યશ આજકાલ પોતાની એક્શન અને થ્રિલરથી ભરપૂર ફિલ્મ 'ટોક્સિ

તસવીર: gstv

સાઉથના સુપરસ્ટાર એક્ટર યશ આજકાલ પોતાની એક્શન અને થ્રિલરથી ભરપૂર ફિલ્મ 'ટોક્સિક'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. 'ટોક્સિક: એ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ' આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. રિલીઝમાં કેટલીક વાર વિલંબ થયા બાદ, યશની 'ટોક્સિક'નું ઓફિશિયલ ટ્રેલર શનિવારે રિલીઝ થઈ ગયું છે. 'ટોક્સિક'ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. ટ્રેલર રિલીઝ ઈવેન્ટમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ક્રૂ સામેલ થયા હતા, જેમાં નયનતારા પણ હાજર રહી હતી. ખૂબ જ ઓછું બને છે જ્યારે નયનતારા પોતાની ફિલ્મોના પ્રોમોશનલ ઈવેન્ટ્સમાં જોવા મળે. ઈવેન્ટ દરમિયાન નયનતારાએ સ્ટેજ પર આવીને ફિલ્મ અને તેના કલાકારો વિશે વાત કરી હતી. જેમાં તેણે સૌથી વધુ વખાણ યશના કર્યા હતા અને તેની સાથેની પહેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

'ટોક્સિક' ટ્રેલર રિલીઝ ઈવેન્ટમાં નયનતારાની સ્પીચ

નયનતારાએ સૌથી પહેલાં જણાવ્યું કે તે ટ્રેલર રિલીઝ ઈવેન્ટ્સમાં કેમ નથી આવતી. તેણે કહ્યું, "એવું નથી કે હું પ્રોમોશનલ ઈવેન્ટ્સમાં નથી આવવા માંગતી... બસ હું આ બધી બાબતોમાં બહુ હોશિયાર નથી, એટલે તેનાથી દૂર રહું છું. પરંતુ આ ઈવેન્ટ ખાસ હતી અને તેનું કારણ માત્ર યશ છે. તેણે બસ એક કોલ કર્યો અને મારા માટે આ ઈવેન્ટમાં આવવા એટલું જ પૂરતું હતું."

નયનતારાએ જણાવ્યું રિયલ લાઈફમાં કેવા છે યશ

નયનતારાએ આગળ કહ્યું, "જ્યારે હું પહેલીવાર યશને મળી, તો સાચું કહું મેં ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે અને તેઓ બધા ખૂબ સારા છે. પરંતુ યશની જે 'લાર્જર-ધેન-લાઈફ' ઈમેજ સ્ક્રીન પર છે, રિયલ લાઈફમાં પણ તે એવા જ છે. મને લાગ્યું કે, અરે! શું હું રોકી ભાઈની સલ્તનતમાં કદમ મૂકી રહી છું? જેવા તમે તેમને ટ્રેલરમાં જુઓ છો, રિયલ લાઈફમાં પણ તેઓ બિલકુલ એવા જ છે."

મેં તેમનાથી વધુ મહેનતુ એક્ટર ક્યારેય નથી જોયો

અભિનેત્રીએ યશની પ્રશંસા કરતા આગળ કહ્યું, "દરેક વ્યક્તિ તેના કામ પ્રત્યેના સમર્પણ અને મહેનત વિશે વાત કરે છે, પણ હું કહીશ કે મેં તેનાથી વધુ મહેનતુ એક્ટર ક્યારેય નથી જોયો. સેટ પર રોજ તેના કામ કરવાની રીત જોઈને હું આશ્ચર્યચકિત થઈ જતી હતી. આ માણસે પોતાની જિંદગીના સાડા ચાર વર્ષ આ ફિલ્મને આપ્યા છે. તેણે પોતાનો સમય અને બાળકો સાથે વિતાવવાની ક્ષણોનો ત્યાગ કરીને બસ પોતાના કામમાં ડૂબેલા રહ્યા છે. તે ખરેખર અદ્ભુત વિચારસરણી અને ક્ષમતા ધરાવતી વ્યક્તિ છે."

'ટોક્સિક' ફિલ્મ વિશે

યશ અને ગીતુ મોહનદાસ દ્વારા લખાયેલી તથા ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ટોક્સિક: એ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ'માં યશ મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરૈશી, રૂક્મિણી વસંત અને તારા સુતારિયા પણ જોવા મળશે. ૨૦૨૩માં જાહેર કરાયેલી આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪માં શરૂ થયું હતું. તેને કન્નડ અને અંગ્રેજી બંને ભાષાઓમાં એકસાથે શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૬ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ સમાચાર શેર કરો