પરવીન બાબીએ શા માટે કહ્યું હતું કે,"FBI મારા ખોરાક સાથે ચેડા કરે છે"; પૂજા બેદીએ કરી એક્ટ્રેસના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત
પૂજા બેદીએ તાજેતરમાં પરવીન બાબી વિશે વાત કરી અને જણાવ્યું કે પરવીનનું માનસિક સ્વા

પૂજા બેદીએ તાજેતરમાં પરવીન બાબી વિશે વાત કરી અને જણાવ્યું કે પરવીનનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ હતું. તેમને લાગતું હતું કે તેમના ખોરાક અને મેકઅપમાં લોકો કંઈક ભેળસેળ કરે છે.
પરવીન બાબીની વાત થાય ત્યારે તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા અવશ્ય થાય છે. તેઓ તેમના સમયની શાનદાર અભિનેત્રી હતી. તેઓ થોડા સમય માટે કબીર બેદી સાથે પણ સંબંધમાં હતા. કબીર બેદીની પુત્રી પૂજા બેદીએપરવીન બાબી વિશે અનેક વાતો શેર કરી છે. તેમણે જણાવ્યું કે પરવીન તે સમયે આસપાસના લોકો પર ખૂબ શંકા કરતા હતા. તેઓ ષડયંત્રની આશંકા વ્યક્ત કરતા હતા. તેમણે કહ્યું કે પરવીનને લાગતું હતું કે એફબીઆઈ તેમના ખોરાક સાથે ચેડા કરે છે અને તેમણે તેમના મેકઅપ વિશે પણ અનેક વાતો કહી હતી.
"બધા કહેતા હતા કે તેમની સાથે કંઈક ગડબડ છે"
પૂજા બેદીએ જણાવ્યું, "મને યાદ છે કે તેઓ (પરવીન) ઘણા વર્ષો બાદ ભારત પાછા આવ્યા હતા. બધા કહેતા હતા કે તેમની સાથે કંઈક ગડબડ છે. હું તેમના ઘરે ગઈ ત્યારે તેમણે દરવાજો ખોલ્યો, પરંતુ તેઓ ખૂબ જ અલગ દેખાતા હતા. તેમના વાળ વિખરાયેલા હતા અને વજન ઘણું વધી ગયું લાગતું હતું."
"ફક્ત ઈંડા જ ખાતા હતા"
પૂજા બેદીએ આગળ જણાવ્યું, "જેવી તેમણે મને જોઈ, તે ખૂબ ખુશ થઈ ગયા અને મને 'હાય' કહ્યું. તેમણે મને અંદર બોલાવી. બધું એકદમ સામાન્ય લાગતું હતું. તેમણે મને ગળે પણ લગાવી. પરંતુ અચાનક તેમણે મને કહ્યું, 'સૉરી, હું તને ખાવાનું નથી આપી શકતી, કારણ કે હું ફક્ત ઈંડા ખાઉં છું.' આના પર મેં તેમને પૂછ્યું કે તેઓ ફક્ત ઈંડા જ કેમ ખાય છે, તો તેમણે જવાબ આપ્યો કે આ એક એવી વસ્તુ છે જેની સાથે હું ચેડા નથી કરી શકતી. મેં પૂછ્યું, 'કોણ?' તો તેમણે કહ્યું, 'એફબીઆઈ કે સિક્રેટ સર્વિસ.'"
"બજારમાંથી મેકઅપ નથી ખરીદતી"
પરવીન વિશે પૂજા બેદીએ વધુમાં જણાવ્યું કે તેમણે કહ્યું હતું કે કોઈક તેમના પ્રોડક્ટ્સને ખરાબ કરી દે છે. આથી જ તેમણે ડિપાર્ટમેન્ટમાંથી મેકઅપ જેવી વસ્તુઓ ખરીદવાનું બંધ કરી દીધું હતું. પૂજાએ કહ્યું, "તેમણે મને કહ્યું કે હું બજારમાંથી મેકઅપ નથી ખરીદતી, કારણ કે કોઈ તેને ખરાબ કરી દે છે. મેં પૂછ્યું કે બીજા કોઈને ખબર કેવી રીતે પડે કે તું ક્યારે અને શું ખરીદવા જાય છે?" આના પર તેમણે જવાબ આપ્યો, "તેમને બધું ખબર હોય છે." આ પછી મને લાગ્યું કે કંઈક તો ખરેખર ગડબડ છે. તે સમયે મને તેમની ચિંતા થઈ અને હું મૂંઝવણમાં પણ પડી ગઈ હતી."








