અમદાવાદમાં સિનેમાનો પડી રહ્યો છે પડદો! 25 રૂપિયાની ટિકિટથી 2500 સુધી પહોંચ્યા ભાવ, 20થી વધુ થિયેટરોને લાગ્યા તાળાં

હાઉસફૂલ! એક સમયે નવી ફિલ્મ રિલીઝ થાય અને ગણતરીના કલાકોમાં જ સિનેમાઘરો બહાર હાઉસફૂલના પાટિયા લાગી જતા હતા. સામાન્ય મજૂરથી લઈને શેઠ સુધી તમામ વર્ગ 20થી 25 રૂપિયામાં મોટા પડદા પર મનોરંજન માણતા હતા. પરંતુ આજે સિનેમા અફોર્ડેબલના બદલે લક્ઝરી બની ગયું છે! 200થી 600 રૂપિયાની ટિકિટ, 250 રૂપિયાના પોપકોર્ન અને 200 રૂપિયાની કોલ્ડડ્રિંક્સ સાથે મોટા પડદા પર પિક્ચર જોવું મોંઘો શોખ બની ગયો છે.
અલબત્ત, સિનેમાનું લક્ઝરી મનોરંજન હવે બધાને પરવડે તેવું રહ્યું નથી. તેના વિકલ્પ સ્વરૂપે મધ્યમ વર્ગ ઓટીટી તરફ વળતાં સિનેમાની 60 ફીટની સ્ક્રીન હવે મોબાઈલની 6 ઈંચની સ્ક્રીનમાં સમાઈ ગઈ છે. પરિણામે સિનેમાનો પડદો પડી રહ્યો હોય તેમ અમદાવાદમાં કોરોના પછી 15થી 20 થિયેટરને કાયમ માટે તાળાં લાગી ગયા છે.
સિંગલ સ્ક્રીન બાદ હવે મલ્ટિપ્લેક્સ અને મિનિપ્લેક્સ પણ બંધ થવાની કગાર પર
વર્ષ 1990 અને 2000ના દાયકામાં સિનેમાનો દબદબો હતો. થિયેટરમાં ફિલ્મ જોવા લાંબી કતારો લાગતી હતી અને બ્લેકમાં ટિકિટો વેચાતી હતી. સિનેમાઘરમાં જમીન પર બેસીને પણ ફિલ્મ જોવા લોકો તૈયાર હતા, પરંતુ આજે મલ્ટિપ્લેક્સની સીટો ખાલી પડી છે. સામાન્ય દિવસોમાં થિયેટરમાં તેની ક્ષમતાના માંડ 30થી 40 ટકા પ્રેક્ષકો હોય છે. સિંગલ સ્ક્રીન બંધ થયા બાદ ધીમે-ધીમે મલ્ટિપ્લેક્સ અને મિનિપ્લેક્સને પણ તાળાં લાગી રહ્યા છે.
મલ્ટિપ્લેક્સના વ્યવસાય સાથે સંકળાયેલા અનુભવી સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં હાલ 55થી 65 જેટલા મલ્ટિપ્લેક્સ અને મિનિપ્લેક્સ છે. છેલ્લા 5 વર્ષમાં 15થી 20 સિનેમા બંધ થઈ ચૂક્યા છે અને આ સંખ્યા વધતી જ જાય છે. તેની સામે નજીવી સંખ્યામાં નવા થિયેટર ખૂલે છે અને તે પણ ફક્ત પ્રીમિયમ સેગમેન્ટને જ ટાર્ગેટ કરે છે.
સિનેમામાં સીટના બદલે સોફા, લાઉન્જ કમ બેડ અને ડાઈન-ઈનની સુવિધાઓ ઉપલબ્ધ કરાતા મૂવી જોવું જાણે લક્ઝરી અને લાઈફસ્ટાઈલની બાબત બની ગઈ છે. જૂના સમયના સિનેમાઘર સાથે જોડાયેલા વરિષ્ઠ સંચાલકોના જણાવ્યા મુજબ, મોબાઈલ પર મનોરંજનના માધ્યમો તેમજ હોમ થિયેટર પણ આવી ગયા છે અને અત્યારે સોસાયટીઓમાં પણ થિયેટર હોય છે, જેથી બહુ સારી ફિલ્મ હોય તો જ લોકો થિયેટર સુધી આવે છે.
પ્લેનની ટિકિટ કરતાં ફિલ્મની ટિકિટ મોંઘી: 25 રૂપિયાની ટિકિટ 2500ની થઈ
અઢી દાયકા પહેલા 25 રૂપિયામાં મળતી સિનેમાઘરની ટિકિટ આજે 2500 રૂપિયા સુધી પહોંચી છે. આ વાત સાંભળવામાં જરા નવાઈ લાગશે, પરંતુ હકીકત છે. અમદાવાદના એક મોટા મોલના મલ્ટિપ્લેક્સમાં રામાયણ ફિલ્મની ટિકિટનો ભાવ અત્યારે 2500 રૂપિયા સુધીનો છે. એટલે કે પ્લેનની ડોમેસ્ટિક મુસાફરીની ટિકિટ કરતાં સિનેમાઘરની ટિકિટના ભાવ વધારે થઈ ગયા છે. સામાન્ય દિવસોમાં પણ મલ્ટિપ્લેક્સની ટિકિટના ભાવ 250થી 500 રૂપિયા સુધીના સહેજે રહેતા હોય છે, જ્યારે રજાના દિવસોમાં આ ભાવ વધીને એકાદ હજાર રૂપિયા સુધી પહોંચે છે.
સિનેમાનો ઉમળકો ઓછો થવા પાછળનાં મુખ્ય કારણો
સિનેમા પ્રત્યે લોકોનો ઉત્સાહ ઘટવા પાછળ 4 મુખ્ય કારણો જવાબદાર માનવામાં આવે છે. પ્રથમ, સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ સહિત મનોરંજનના વધતા માધ્યમો. બીજું, OTT પર મૂવી રિલીઝ કરવું ઓછું ખર્ચાળ અને સરળ હોવાથી ફિલ્મનિર્માતાઓ થિયેટર કરતાં OTT પર ફિલ્મ રિલીઝ કરવાનું પસંદ કરે છે. ત્રીજું, ફિલ્મોની પાઈરસીના લીધે થિયેટરમાં રિલીઝ થવાના બીજા જ દિવસે મોબાઈલ પર તેની કોપી ફરતી થઈ જાય છે અને ચોથું, નવી ફિલ્મો સિનેમામાં રિલીઝ થવાના ગણતરીના દિવસોમાં જ OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ જાય છે.
સંચાલન ખર્ચ વધતાં ટિકિટના દર વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી
સિનેમાઘરના માલિકોના જણાવ્યા અનુસાર, મલ્ટિપ્લેક્સ કે મિનિપ્લેક્સ ચલાવવામાં અનેક પડકારો વેઠવા પડે છે. ટેક્નોલોજી અપગ્રેડેશન, ફાયર સેફ્ટી, ટેક્સ અને પ્રેક્ષકોની ઘટતી સંખ્યા સહિતના કારણોથી સંચાલન ખર્ચ વધી જતા સમયાંતરે ટિકિટના દરમાં વધારો કરવો પડે છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં વધારે સિનેમાઘરોને તાળાં લાગશે. ગુજરાતના સૌથી મોટા શહેરની આવી હાલત છે, ત્યારે નાના શહેરોમાં તો હવે સમ ખાવા પૂરતા એકાદ-બે નાના થિયેટરો જ કાર્યરત છે.
અમદાવાદના યાદગાર થિયેટરો, જેમના નામે રસ્તા અને વિસ્તારો ઓળખાયા
એક સમયે સિનેમાનો એટલો ક્રેઝ હતો કે અમદાવાદના અનેક રસ્તા અને વિસ્તારો થિયેટરના નામે ઓળખાવા લાગ્યા હતા. જેમાં રિલીફ રોડ પર રિલીફ સિનેમા, મણિનગરમાં મીરા સિનેમા, લાલ દરવાજામાં રુપાલી સિનેમા, ખોખરામાં અનુપમ સિનેમા, આશ્રમ રોડ પર નટરાજ સિનેમા, કુબેરનગરમાં માયા સિનેમા, સરસપુરમાં મિલન ટોકીઝ, કાલુપુરમાં રોઝી ટોકીઝ, મિરઝાપુરમાં મધુરમ સિનેમા, કાંકરિયામાં અપ્સરા-આરાધના સિનેમા અને અસારવામાં મોહન સિનેમાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અમદાવાદમાં જૂના સમયના યાદગાર થિયેટરોમાં આમ્રપાલી, વસંત, શીતલ, સૂર્ય, પ્રકાશ, લલિતામહલ, કમલ, આશીષ, એવરેસ્ટ, એડવાન્સ, મંગલમ્, અલંકાર, ગીતા, ચંદ્રભાનુ, શિવ, આરાધના, રોશની, સોનલ, ગૌરી, ગેલેક્સી, અશોક, શાલીમાર, સંગમ, એલએન, લક્ષ્મી, ગોલ્ડન, લાઈટ હાઉસ, સેન્ટ્રલ, કૃષ્ણ, નોવેલ્ટી, ઈંગ્લિશ, કલ્પના, મોડલ, અજંતા, ઈલોરા, ઉષા, દિપાલી અને અંજલી થિયેટર લોકોની યાદોમાં આજે પણ અકબંધ છે.








