દિલજીત દોસાંઝનો વિરોધ કરનારાઓને જવાબ, ઈન્દોરના કોન્સર્ટમાં કહ્યું- ‘કોઈના બાપનું હિન્દુસ્તાન થોડું છે’

પંજાબી ગાયક દિલજીત દોસાંઝે રવિવારે દાવો કર્યો હતો કે ઈન્દોરમાં તેના કોન્સર્ટને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, તેણે પોતાના ફેન્સને આપેલું વચન નિભાવ્યું અને કોઈપણ પ્રકારના ડર વિના શહેરમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, 'કોઈના બાપનું હિન્દુસ્તાન થોડું છે.'
દોસાંઝે પોતાના લાઈવ કોન્સર્ટની શરૂઆત પ્રેક્ષકોને 'જય શ્રી મહાકાલ' ના નારા લગાવવાનું કહીને કરી હતી. તેણે પ્રેક્ષકોને સંબોધતાં કહ્યું, "જુઓ, આ મહાકાલની ધરતી છે અને અહીં આવવાથી અમને કોઈ નહીં રોકી શકે. અમે પહેલાં પણ ડર્યા નહતા અને આજે પણ ડરતા નથી. અને તમે ડરો એવો સવાલ જ ક્યાં ઊભો થાય છે? તમારી તાકાતને કારણે જ આજે અમે અહીં પહોંચી શક્યા છીએ."
42 વર્ષીય ગાયકે દાવો કર્યો હતો કે ઈન્દોરની તેની મુલાકાતનો ભારે વિરોધ થયો હતો, પરંતુ તેણે પોતાના ફેન્સને આપેલું વચન પૂરું કરવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું, "મને અહીં આવતા રોકવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં હું અહીં આવ્યો છું. એકવાર હું કોઈને કહી દઉં કે હું આવીશ, તો ક્યારેય મારા વચનમાંથી પાછો નથી હટતો."
તેણે વધુમાં કહ્યું, "તમામ પ્રતિબંધો છતાં આજે હું અહીં ઊભો છું." આ દરમિયાન દોસાંઝે જાણીતા દિવંગત ઉર્દૂ કવિ રાહત ઈન્દોરીની પ્રખ્યાત ગઝલની કેટલીક પંક્તિઓ પણ સંભળાવી હતી. તેમાં તેણે કહ્યું હતું, "અગર ખિલાફ હૈં હોને દો, જાન થોડી હૈ... સભી કા ખૂન હૈ શામિલ યહાં કી મિટ્ટી મેં, કિસી કે બાપ કા હિન્દોસ્તાન થોડી હૈ."
ઉલ્લેખનીય છે કે, આ પહેલા દિલજીત દોસાંઝના ઈન્દોરમાં યોજાનારા કોન્સર્ટને લઈને બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા ઈમેઇલ મોકલવામાં આવ્યા હતા. આ ઈમેઇલ ઈન્દોરના મેયરની ઓફિસ, ત્રણ બેંકો અને ત્રણ ખાનગી શાળાઓને મોકલવામાં આવ્યા હતા. જોકે, તપાસ બાદ પોલીસે આ ધમકીભર્યા સંદેશાઓને પ્રાથમિક દૃષ્ટિએ નકલી ગણાવ્યા હતા.






