IFFI 2026માં રણવીર-રણબીરની ફિલ્મોનો ડંકો! 'ધુરંધર' અને 'રામાયણ'ને મળી ખાસ જવાબદારી

ગોવામાં 20થી 28 નવેમ્બર દરમ્યાન યોજાનારા ભારતના 57માં આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ઇન્ડિયન પેનોરમાના ઉદ્ઘાટન માટે રણવીરસિંહની ધુરંધર ફિલ્મની અને બ્રિકસ વિભાગના ઉદ્ઘાટન માટે રણબીર કપૂરની રામાયણ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેરાલા સ્ટોરી ટુને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ફાધરલેન્ડ નામની જર્મન ફિલ્મની થઈ પસંદગી
ફિલ્મોત્સવની ઉદ્ઘાટક ફિલ્મ તરીકે ફાધરલેન્ડ નામની જર્મન ફિલ્મને પસંદ કરવામાં આવી છે, જેમાં નોબેલ પારિતોષિક વિજેતા સાહિત્યકાર થોમસ માન તેમની પુત્રી એરિકા સાથે 1949માં વિભાજીત જર્મનીનો પ્રવાસ કરે છે. કાન ફિલ્મોત્સવ 2026માં આ ફિલ્મના નિર્દેશક પાવેલ પાવલિકોવસ્કીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
રશિયાની ચાર ફિલ્મ પણ દર્શાવવામાં આવશે
આ ફિલ્મોત્સવમાં બે નવા વિભાગો એનિમેશન અને ફિલ્મ અબાઉટ ફિલ્મ્સ શરૂ કરવામાં આવ્યા છે. પાર્ટનર કન્ટ્રી રશિયાની ચાર ફિલ્મ દર્શાવવામાં આવશે જ્યારે કન્ટ્રી ઓફ ઓનર સ્પેનની પણ ચાર ફિલ્મો દર્શાવવામાં આવશે, જેમાં પેદ્રો અલ્મોદાવારની નવી ફિલ્મ બિટર ક્રિસમસનો સમાવેશ થાય છે.









