VIDEO : ભારતીય ફિલ્મ ઉદ્યોગને મળશે નવી ગતિ: કેન્દ્ર સરકારે બનાવ્યું હાઈ-લેવલ સ્ટડી ગ્રુપ, લીધા 2 મોટા ઐતિહાસિક નિર્ણયો!

ભારતીય ફિલ્મ ઉદ્યોગને આગળ વધારવા માટે 29 જૂનના રોજ નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથેની આ બેઠકમાં મંત્રીએ ફિલ્મ નિર્માણને પ્રોત્સાહન આપવા, ડિસ્ટ્રિબ્યુશન અને ટેક્નોલોજીકલ ઇન્ટિગ્રેશન (તકનીકી એકીકરણ)ને મજબૂત કરવા માટે તાત્કાલિક માળખાકીય પદ્ધતિઓ અપનાવવા નિર્દેશ આપ્યા છે.
આ માટે મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય સ્ટડી ગ્રુપ (અધ્યયન જૂથ)ની રચના કરી છે. પ્રસૂન જોશી આ ગ્રુપની અધ્યક્ષતા કરશે. જેમાં ફિલ્મ ઉદ્યોગના નિષ્ણાતો (ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ) અને ટેક્નોલોજી પાર્ટનર્સ પણ સામેલ થશે.
એક સ્ટડી ગ્રુપની રચના કરવામાં આવી
મંત્રાલય તરફથી બનાવવામાં આવેલું આ હાઈ લેવલ ગ્રુપ ભારતીય સિનેમા સમક્ષ રહેલી તકો અને પડકારોનો અભ્યાસ કરશે. તે આ સેક્ટરને વધુ મજબૂત કરવાના ઉપાયો સૂચવશે. આ સાથે આ ગ્રુપ ભારતીય ફિલ્મોને વૈશ્વિક સ્તરે (ઇન્ટરનેશનલ લેવલ પર) વધુ સ્પર્ધાત્મક (competitive) બનાવવા માટે કેવા પગલાં ભરવા જોઈએ તે અંગે પણ માર્ગદર્શન આપશે.
આ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે
આ સ્ટડી ગ્રુપ અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેમ કે સિનેમા પર નવી ટેક્નોલોજીની શું અસરો થઈ રહી છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વર્ચ્યુઅલ પ્રોડક્શનનો સમાવેશ થાય છે. ગ્રુપ એ પણ સૂચવશે કે ભારતીય ફિલ્મ નિર્માતાઓ આ સાધનો (Tools)નો ઉપયોગ કેવી રીતે કરી શકે છે.
ફંડિંગ માટે કેવી રીતે મદદ મળશે?
- આ ગ્રુપ એ પણ જણાવશે કે ફિલ્મ નિર્માતાઓ માર્કેટમાંથી ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ (સંસ્થાકીય નાણાકીય સહાય) કેવી રીતે મેળવી શકે છે અને ફિલ્મ નિર્માણ માટે ફંડિંગના નવા વિકલ્પો શું હોઈ શકે છે.
- રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો (stakeholders) સાથે મળીને કામ કરવું.
- ગ્રુપ શ્રેષ્ઠ પદ્ધતિઓ (best practices)ની ઓળખ કરશે.
- તે ભારતીય સિનેમાના લોન્ગ ટર્મ ડેવલપમેન્ટ (લાંબા ગાળાના વિકાસ) માટે સંપૂર્ણ યોજના તૈયાર કરશે.
- આ સ્ટડી ગ્રુપ દેશભરના તમામ સંબંધિત સ્ટેકહોલ્ડર્સ સાથે વિચાર-વિમર્શ કરશે અને ત્રણ મહિનાની અંદર મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપશે.
નાના વિસ્તારોમાં સિનેમાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે
સિનેમા અને થિયેટરોના નિયમો બનાવવાની જવાબદારી રાજ્ય સરકારોની હોય છે. આ કારણે સિનેમા અને થિયેટર માટે જરૂરી અલગ-અલગ મંજૂરીઓ માટે જુદા-જુદા રાજ્યો અલગ-અલગ નિયમોનું પાલન કરે છે. આ વિસંગતતાને લીધે ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં સિનેમા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં એક મોટો અવરોધ આવતો રહ્યો છે.
‘મોડેલ સ્ટેટ સિનેમા રેગ્યુલેશન્સ’
બીજો મોટો નિર્ણય એ લેવાયો છે કે હવે સિનેમા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી વધારવા માટે, મંત્રાલયે મોડેલ નિયમોનો એક સેટ (માળખું) તૈયાર કર્યો છે. આ નિયમો તમામ સંબંધિત પક્ષો (સ્ટેકહોલ્ડર્સ) સાથેની વાતચીત બાદ તૈયાર કરવામાં આવ્યા હતા. મંત્રાલયે હવે આ ‘મોડેલ સ્ટેટ સિનેમા રેગ્યુલેશન્સ’ તમામ રાજ્ય સરકારોને મોકલી આપ્યા છે અને રાજ્યોને તેને અપનાવવાની અપીલ કરી છે. આ સાથે મંત્રાલય આ નિયમો લાગુ કરવામાં રાજ્યોને મદદ પણ કરશે.
આ બે નિર્ણયો સાથે મળીને એક મજબૂત, મોર્ડન અને ઇન્ટરનેશનલ લેવલ પર સ્પર્ધાત્મક ભારતીય ફિલ્મ ઉદ્યોગનું નિર્માણ કરશે. આનાથી ભારતીય સિનેમા ક્રિએટિવિટી (સર્જનાત્મકતા), સંસ્કૃતિ અને નવા વિચારોને આગળ ધપાવવા માટેનું એક મજબૂત માધ્યમ બની રહેશે.

