છૂટાછેડાની જાહેરાત બાદ સપના ચૌધરીનો મોટો નિર્ણય! પતિ વીર સાહૂના નામનું ટેટૂ દૂર કરાવતો વીડિયો વાયરલ

હરિયાણવી ડાન્સર અને 'બિગ બોસ' ફેમ સપના ચૌધરી હાલ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલાં જ તેણે છ વર્ષના લગ્નજીવનનો અંત લાવવા છૂટાછેડાની અરજી કરી હોવાની જાહેરાત કરી હતી. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હાથ પર લખાવેલું પતિ વીર સાહૂના નામનું ટેટૂ લેસર ટ્રીટમેન્ટ દ્વારા દૂર કરાવતી જોવા મળે છે. જોકે, ટેટૂ દૂર કરાવવાના આ સમાચારની સપના તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
લેસર ટ્રીટમેન્ટનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં સપના ચૌધરી હાથ પર બનાવેલું પતિના નામનું ટેટૂ દૂર કરાવતી જોવા મળે છે. છૂટાછેડાની જાહેરાત બાદ આ વીડિયો સામે આવતાં ચાહકો તેને તેના લગ્નજીવન સાથે જોડી રહ્યા છે. જોકે, અગાઉ એક ઇન્ટરવ્યૂમાં સપનાએ ટેટૂ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે શૂટિંગ પહેલાં તેને છુપાવવામાં ઘણો સમય લાગે છે. ભવિષ્યમાં ફિલ્મો અને મ્યુઝિક પ્રોજેક્ટ્સમાં વધુ કામ કરવાની ઇચ્છા હોવાથી ટેટૂ દૂર કરાવવું તેના માટે સરળ અને વ્યવહારુ વિકલ્પ બની શકે છે.
સંબંધોમાં પોતાની ઓળખ ગુમાવી હોવાની વાત કરી હતી
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સપનાએ છૂટાછેડા અંગે વાત કરતાં કહ્યું હતું કે જ્યારે બધું સારું હતું ત્યારે બંને સાથે હતાં, પરંતુ હવે પરિસ્થિતિ સારી નથી એટલે સાથે નથી. તેણે એવું પણ જણાવ્યું હતું કે તે કોઈની કાકી, ચાચી અને ભાભી બનીને રહી ગઈ હતી અને આ દરમિયાન પોતાની ઓળખ ગુમાવી દીધી હતી. સપનાના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં તેણે પોતાના વ્યક્તિત્વ વિકાસ અને આત્મવિકાસ પર જે રીતે ધ્યાન આપવું જોઈતું હતું, તે સંબંધોમાં ગૂંચવાઈ જવાને કારણે થઈ શક્યું નહોતું. તેણે સ્વીકાર્યું હતું કે કદાચ આ સંબંધને જાળવી રાખવો તેની પોતાની જીદ હતી, જ્યારે વાસ્તવમાં આ સંબંધ આગળ વધવાનો નહોતો.
2020માં વીર સાહૂ સાથે કર્યા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે સપના ચૌધરીએ વર્ષ 2020માં વીર સાહૂ સાથે લવ મેરેજ કર્યા હતાં. છ વર્ષના લગ્નજીવન બાદ બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. તેમને બે બાળકો પણ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સપના સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ'માં ભાગ લઈ ચૂકી છે. તે 'ધ 50' શોમાં પણ જોવા મળી હતી. હરિયાણવી ગીતોમાં તેના ડાન્સને કારણે તેની મોટી ફેન ફોલોઇંગ છે.









