Video: થિયેટરમાં 'The Raja Saab'ના સ્ક્રીનિંગ દરમિયાન પ્રભાસના ફેન્સે લગાવી આગ, યુઝર્સ ભડક્યા

થિયેટરમાં પ્રભાસની ફિલ્મ 'ધ રાજા સાબ' ચાલી રહી હતી અને અભિનેતાના ચાહકોએ ત્યાં આગ લગાવી દીધી, જેના કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. પ્રભાસના ફેન્સે થિયેટરમાં કાગળ અને ઘાસ સળગાવ્યું હતું, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સે તેમની ભારે ટીકા કરી છે.
(credit: m.chaanti) Instagram
પ્રભાસની ફિલ્મ 'ધ રાજા સાબ' લાંબી રાહ જોયા બાદ 9 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. ફિલ્મને પહેલા દિવસે મિશ્ર પ્રતિસાદ મળ્યો, પરંતુ ચાહકોમાં તેનો ભારે ક્રેઝ જોવા મળ્યો. કોઈ નકલી મગર લઈને થિયેટર પહોંચ્યું તો કોઈ થિયેટરની બહાર ઉજવણી કરવા લાગ્યું. પરંતુ ઓડિશાના એક થિયેટરમાં તો હદ થઈ ગઈ અને એક મોટી દુર્ઘટના માંડ-માંડ ટળી. હકીકતમાં, ઓડિશાના એક થિયેટરમાં પ્રભાસના ફેન્સે આગ લગાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ હરકત બદલ ફેન્સની કડક ટીકા કરી રહ્યા છે અને આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.
અશોક થિયેટરની ઘટના
આગનો જે વીડિયો સામે આવ્યો છે તે ઓડિશાના અશોક થિયેટરનો હોવાનું કહેવાય છે. ત્યાં પ્રભાસના ફેન્સે કોન્ફેટી (રંગીન કાગળ) સળગાવ્યા, જેના કારણે આગ લાગી હતી. ફેન્સ તો આ જોઈને ખુશીથી ઝૂમી ઉઠ્યા, પરંતુ અન્ય લોકોએ આ બદલ તેમને ખૂબ ખરી-ખોટી સંભળાવી.
વીડિયો જોઈને યુઝર્સ ગુસ્સે ભરાયા
ઘણા યુઝર્સે થિયેટરમાં ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન બનેલી આ ઘટનાને જોઈને સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે. તો વળી કેટલાકે ફેન્સને ખીજાતા કહ્યું કે, આ હરકતથી તેઓ માત્ર સિનેમાના અનુભવને જ નહીં પરંતુ ખુદ પ્રભાસનું પણ અપમાન કરી રહ્યા છે. સાથે જ કહ્યું કે આવી હરકતથી લોકોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.
યુઝર્સ બોલ્યા- 'પ્રભાસનું નામ ખરાબ કરી રહ્યા છો'
એક યુઝરે વીડિયો જોઈને કમેન્ટ કરી કે, "આ પ્રભાસના ફેન્સની નાસમજી છે. હું એક્ટરની નહીં પણ ફેન્સની વાત કરી રહ્યો છું. તમારે આવું ન કરવું જોઈએ. મહેરબાની કરીને સમજદાર લોકો જેવું વર્તન કરો. આ તમારું ઘર નથી. તમે આવી હરકતોથી પ્રભાસનું નામ ખરાબ કરી રહ્યા છો."
અન્ય એક યુઝરે લખ્યું, "લાગે છે કે તેમને જન્મથી બુદ્ધિ નથી મળી. નહિતર, શું કોઈ કોઈની મહેનતથી બનાવેલા થિયેટરને આ રીતે બરબાદ કરે?" જ્યારે અન્ય એક વ્યક્તિએ કહ્યું, "જો પ્રભાસના સાચા ફેન્સ હોત, તો તેઓ આવું ક્યારેય ન કરત. આ બધું જોખમી છે અને તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ."

