ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મમેકર રોબ રેનર અને પત્ની ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા, હત્યાની આશંકા

હોલીવુડના જાણીતા ડિરેક્ટર રોબ રેનર અને તેમની પત્ની તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેની હત્યા કરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રવિવારે બપોરે ડિરેક્ટર અને એક્ટર રોબ રેનર તેમના બ્રેન્ટવુડ સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના ઘરમાં ફાયર ફાઇટર્સને એક પુરૂષ અને એક મહિલાના મૃતદેહ મળ્યા હતા.
શરૂઆતમાં પોલીસ દ્વારા બંને મૃતદેહોની ઓળખ અને મોતના કારણની પુષ્ટિ કરવામાં આવી નહોતી. પરંતુ બાદમાં ડિરેક્ટર રોબ રેનરના પરિવારના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે, "અત્યંત દુઃખ સાથે અમે મિશેલ અને રોબ રેનરના નિધનના સમાચાર શેર કરી રહ્યા છીએ. આ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. અમે આ મુશ્કેલ સમયમાં પ્રાઈવસી (ગોપનીયતા) જાળવી રાખવાની અપીલ કરીએ છીએ."
તપાસ શરૂ કરવામાં આવી
સમાચાર મુજબ, લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ઘરની અંદર એક પુરુષ અને એક મહિલા મૃત હાલતમાં મળી આવ્યા છે, જેમની ઉંમર અંદાજે 78 અને 68 વર્ષ છે. LAPD રોબરી હોમિસાઇડ ડિવિઝન આ મામલાની તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ અત્યારે કોઈ માહિતી શેર કરી શકે તેમ નથી. રવિવારે સાંજે ડિરેક્ટર રોબ રેનરના મેન્શન (બંગલા) પર મોટી સંખ્યામાં પોલીસ હાજર હતી અને પરિવારને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.
પાડોશીઓએ આપી માહિતી
રોબ રેનરના પાડોશીઓએ જણાવ્યું કે ડિરેક્ટર અને તેમની પત્ની તે ઘરમાં રહેતા હતા. પ્રોપર્ટી રેકોર્ડ્સ પણ દર્શાવે છે કે રેનર જ આ ઘરના માલિક છે. રેનર અને તેમની પત્ની મિશેલે 1989માં લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો છે. ન્યૂઝ પોર્ટલ અનુસાર, હોલીવુડ ફિલ્મમેકર રોબ રેનર અને તેમની પત્નીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હવે તેમની હત્યાની તપાસ ચાલી રહી છે.
રોબ રેનર આ ફિલ્મો માટે જાણીતા હતા
રોબ રેનર એક ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મમેકર અને એક્ટર છે. તેઓ 'ધીસ ઈઝ સ્પાઈનલ ટેપ', 'એ ફ્યુ ગુડ મેન' અને 'વ્હેન હેરી મેટ સેલી' જેવી ફિલ્મો માટે જાણીતા છે. તેમની રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મોને પ્રેક્ષકો દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવી છે.

