દિશા પટણી જ નહીં, સલમાન ખાન-એલ્વિશ યાદવ સહિત આ સ્ટાર્સના ઘરે પણ થયેલું છે ફાયરિંગ
અભિનેત્રી દિશા પટણીના બરેલીમાં આવેલા ઘર પર અજાણ્યા શખસોએ ફાયરિંગ કરીને વિસ

અભિનેત્રી દિશા પટણીના બરેલીમાં આવેલા ઘર પર અજાણ્યા શખસોએ ફાયરિંગ કરીને વિસ્તારમાં ભય ફેલાવી દીધો છે. અભિનેત્રીના ઘર પર 10-12 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. સીસીટીવીમાં ઘર પર ગોળીઓના નિશાન પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જ્યારે દિશા પહેલાં સલમાન ખાન અને એલ્વિશ યાદવ સહિત અનેક સિતારાઓના ઘર પર પણ આવી જ રીતે ફાયરિંગ થઈ ચૂક્યુ છે.
આ દુર્ઘટના પછી આખો પરિવાર હજુ પણ આઘાતમાં છે. જ્યારે ફાયરિંગની જવાબદારી રોહિત ગોદારા અને ગોલ્ડી બરાર ગેંગે લીધી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતાં તેઓએ આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી લીધી છે.
જોકે માત્ર દિશા પટણી જ એકલી એવી સ્ટાર નથી, જેના ઘર પર આવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હોય. તેનાથી પહેલાં સલમાન ખાન અને એલ્વિશ યાદવ સાથે પણ આવી જ ઘટના બની ચૂકી છે. ચાલો જાણીએ કે અત્યાર સુધી કોના-કોના ઘર પર ફાયરિંગ થઈ ચૂક્યું છે.
સલમાન ખાન
સુપરસ્ટાર સલમાન ખાનના ઘર પર થયેલી ફાયરિંગને ભુલી શકાય નહીં. 14 એપ્રિલ 2024ના રોજ સવારે સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. સલમાનના ઘરની બાલ્કનીમાં ગોળીઓના નિશાન પણ મળ્યા હતા. બાઇક પર આવેલા ગુનેગારોએ અપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કર્યુ હતુ. તે સમયે સલમાન ઘરમાં જ હાજર હતા. આ ફાયરિંગની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી. પોલીસે કેસની તપાસ કરતાં ગોળી ચલાવનારને ગુજરાતમાંથી અટકાયતમાં લઈ લીધો હતો. ત્યારબાદ સલમાનને કડક સુરક્ષા પણ આપવામાં આવી હતી.
એલ્વિશ યાદવ
યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગનો કેસ સામે આવી ચૂક્યો છે. 17 ઓગસ્ટના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ યુટ્યુબરના ગુરુગ્રામમાં આવેલા ઘર પર ફાયરિંગ થયુ હતુ. જોકે ફાયરિંગ દરમિયાન એલ્વિશ ઘર પર નહોતા. પોલીસે કેસની તપાસ કરતાં જણાવ્યું કે બાઇક પર સવાર ત્રણ ગુનેગારોએ આશરે 12 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. જોકે તેમના પિતાએ જણાવ્યું કે આશરે 24-25 ગોળીઓ ચલાવવામાં આવી હતી.
કપિલ શર્મા
કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં આવેલા કેફે પર સવારે અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી, ત્યારે આ સમાચારે દરેકને પરેશાન કરી દીધા હતા. તાજેતરમાં કપિલ અને તેમની પત્નીએ કેનેડામાં એક નવું કેફે ખોલ્યું હતું. કેફે સારું ચાલવા લાગ્યું હતું, ત્યારે અચાનક સમાચાર આવ્યો કે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. 10 જુલાઈના રોજ કેફેની બહાર અનેક રાઉન્ડ ફાયરિંગ થઈ હતી. પોલીસ કેસની તપાસમાં જોડાઈ ગઈ. પરંતુ કેટલાક દિવસો પછી ફરીથી કપિલના કેફે પર હુમલો કરવામાં આવ્યો અને ગોળીઓ ચલાવવામાં આવી હતી.
એપી ઢિલ્લો
પોપ્યુલર પંજાબી સિંગર એપી ઢિલ્લો સાથે પણ આ ઘટના બની ચૂકી છે. સિંગરના કેનેડામાં આવેલા ઘરની બહાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેટલાક અજ્ઞાત વ્યક્તિઓએ ફાયરિંગ કર્યુ હતુ. લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ આની જવાબદારી લીધી હતી. પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ હુમલો સલમાન ખાનના કરીબી હોવાના કારણે કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ઇન્ડસ્ટ્રીમાં હલચલ પેદા કરી દીધી હતી.








