₹1,363 કરોડની કમાણી છતાં 'ધુરંધર 2'ને ગ્રેમીનો ઝટકો, 8 ગીતોમાંથી એકને પણ ન મળ્યું નોમિનેશન

બોક્સ ઓફિસ પર ₹1,300 કરોડથી વધુની ઐતિહાસિક કમાણી કરનાર રણવીર સિંહની સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ'ના ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ અને દર્શકોનો અપાર પ્રેમ મેળવ્યા પછી પણ સંગીતકાર શાશ્વત સચદેવનું સંગીત 69મા ગ્રેમી એવોર્ડ્સ 2027ની અંતિમ નોમિનેશન યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું છે.
કઈ-કઈ કેટેગરીમાં મોકલવામાં આવ્યા હતા 8 ગીતો?
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના નિર્માતાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવા માટે ગ્રેમીની વિવિધ શ્રેણીઓમાં ફિલ્મના આલ્બમ અને 8 ટ્રેક્સ મોકલ્યા હતા, પરંતુ 16 નવેમ્બરે જાહેર થયેલી ફાઇનલ લિસ્ટમાં એક પણ ગીતને સ્થાન મળ્યું નથી:
બેસ્ટ સોંગ રિટન ફોર વિઝ્યુઅલ મીડિયા: ફિર સે
બેસ્ટ પોપ ડ્યુઓ / ગ્રુપ પરફોર્મન્સ: જાઈયે સજના
બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ: જાન સે ગુજરતે હૈં અને કન્હૈયા
બેસ્ટ એશિયન પોપ મ્યુઝિક પરફોર્મન્સ: આરી આરી
બેસ્ટ રેપ પરફોર્મન્સ: મન અટકેયા - ડેસ્ટિની
તમિલ ગીત 'વરુવાઈ'એ ગ્રેમી નોમિનેશન મેળવી રચ્યો ઇતિહાસ
એક તરફ જ્યાં 'ધુરંધર 2'ના હાથે નિરાશા લાગી છે, ત્યાં બીજી તરફ ભારતીય સંગીત જગત માટે એક ગૌરવપૂર્ણ સમાચાર પણ આવ્યા છે. દેવન એકામ્બરમ અને સુષાના તમિલ ગીત 'વરુવાઈ'ને ગ્રેમી 2027ની 'બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ' કેટેગરીમાં સત્તાવાર નોમિનેશન મળ્યું છે. ગ્રેમી એવોર્ડ્સના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ તમિલ ગીતને નોમિનેશન પ્રાપ્ત થયું છે, જે દક્ષિણ ભારતીય સંગીત ઉદ્યોગ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન છે.
બોક્સ ઓફિસ પર 'ધુરંધર: ધ રિવેન્જ' નું ઐતિહાસિક પ્રદર્શન
આદિત્ય ધર નિર્દેશિત 'ધુરંધર: ધ રિવેન્જ' એ વિશ્વભરના બોક્સ ઓફિસ પર કુલ ₹1,363.15 કરોડની જંગી કમાણી કરી હતી, જેમાં ભારતમાંથી ₹1,013.15 કરોડ અને વિદેશી બજારોમાંથી ₹350 કરોડનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં રણવીર સિંહે 'જસકીરત સિંહ રંગી' નામના ભારતીય જાસૂસની ભૂમિકા ભજવી હતી, જે 'હમઝા અલી મઝારી'ની ઓળખ સાથે પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવા જાય છે.











